ધારાસભ્યએ ખાતમુહૂર્ત કર્યું હતું તે રોડ અધૂરો છોડી દેવાયો ટંકારા : ટંકારાના નગરનાકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જ્યાં રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું એ જગ્યાએ હજુ ધુળની ડમરી ઉડે છે. નવા બનેલા રોડમાં પણ કાકરી દેખાતા નબળી ગુણવત્તાનું કામ થયું હોવાનું નગરજનો જણાવી રહ્યા છે અને આ અંગે તપાસ હાથ ધરી વરસાદ પહેલા રોડનું કામ પૂરું કરવા માંગ ઉઠી છે. ટંકારા નગર દરવાજાથી મેઈન બજારને જોડતા રોડનું ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને અન્ય આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતમાં નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં કામ શરૂ થયાને મહિના વિત્યા પછી પણ કામ પૂરું ન થતા ઉપરાંત થયેલ કામમાં કાકરી દેખાઈ આવતા નગરજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તદ્ઉપરાંત પોલીસ સ્ટેશન પાસે તો રોડ ઉપર રીતસર નરકાગાર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. વધુમાં કોઈ ભંગાર અને કચરો ઠાલવી ગયું છે. આ અંગે ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસરે રોડ પર રોડા પડ્યાની વાત કબુલી હતી. આ રસ્તો વેપારી, બજાર અને સરકારી દવાખાને જવાનો મુખ્ય માર્ગ છે અને ધારાસભ્ય જે કામનું ખાતમુહૂર્ત કર્યું એમાં પોતે અંગત રસ દાખવી રસ્તો પૂરો કરાવે એવી નાગરિકો માંગ ઉઠાવી રહ્યા છે.