પ્લેહાઉસથી લઈ પીએચડી સુધીનું સરકારી શિક્ષણનું સમગ્ર માળખું ખાનગી જેવું સુવિધા જનક બનાવવાની માંગ : લજાઈ-વાંકાનેર રોડ ઉપરના આદેશ આશ્રમમાં રવિવારે બેઠક, પાસ-2ની જિલ્લા અને તાલુકા વાઇઝ ટિમો બનાવાશે, સમગ્ર લડાઈ કાયદાના પાલન સાથે લડવાનું એલાનમોરબી : પાટીદાર આંદોલન સમિતિ પાર્ટ - 2ની જાહેરાત કરીને આગેવાનોએ હવે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા લડતનું એલાન આપ્યું છે. આ માટે મોરબી જિલ્લાથી જ બ્યુંગલ ફૂંકવામાં આવશે. લજાઈ-વાંકાનેર રોડ ઉપર જડેશ્વર પાછળ આવેલા આદેશ આશ્રમમાં તા.15ને રવિવારના રોજ સાંજે 4 કલાકે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જ પાસ-2ની જિલ્લા અને તાલુકા વાઇઝ ટીમની રચના કરવામાં આવશે. :આ મામલે આગેવાનોએ જણાવ્યુ છે કે પાટીદાર આંદોલન સમિતિ થકી મળેલી ભવ્ય સફળતા એટલે 10 % EWS ગુજરાત સરકારે લાગુ કર્યું અને તમામ સુવર્ણ જ્ઞાતિના વિદ્યાર્થી તેનો લાભ લઈ રહ્યા છે. પાટીદાર આંદોલન સમિતિ સર્વ સમાજ ના વિદ્યાર્થી માટે સરકાર પાસે નવી સરકારી શિક્ષણની માંગણી ઓ લઈને આવી રહ્યું છે. જે અન્વયે આગામી રવિવારે સરકારી શિક્ષણ ચિંતન શિબીર યોજાશે. જેમાં ગુજરાત પાસ-2 ટીમ પ્લેહાઉસથી પી.એચ.ડી. સુધી (ફ્રી)માળખાકીય અને ટેક્નોલોજીકલ સુવિધાની માંગણી સાથેની લડત માટે વ્યૂહરચના ઘડશે. આ વેળાએ ગુજરાત પાસ ટીમ-2 કમિટી જાહેર કરવામાં આવશે. આગામી લડત ના કાર્યક્રમો જાહેર કરવામાં આવશે. ગેટ ઉપર ૪ સિક્યુરિટી હોય, આગળ મોટુ ગાર્ડન હોય, પાર્કીંગમાં ૨૫ વોલ્વો બસ હોય, વચ્ચે પાણીનો ફુવારો હોય, આગળ મોટો પ્રાર્થના ખંડ હોય, રિસેપ્શન ઉપર બે બહેનો હોય, લેબોરેટરી હોય, લાઇબ્રેરી હોય, જીમ હોય, કોમ્પ્યુટર ક્લાસ હોય, તમામ રમત ગમતના કોચ સાથેના ગ્રાઉન્ડ હોય, સ્વિમિંગ પુલ હોય, આર્મી ટ્રેનિગ ફરજિયાત હોય , જમવા માટે સુંદર હોલ હોય, જમવામાં ગુજરાતી થાળી હોય, વિદ્યાર્થી શૂટ- બુટ અને ટાઈમાં હોય, માતૃ ભાષા, રાષ્ટ્રીય ભાષા અને અંગ્રેજી ફરજિયાત હોય, બિઝનેશ કોર્સ ફરજિયાત હોય તેવી સુવિધા સરકારી શાળામાં કેમ ન હોય શકે ? સેવાસદન, પોલીસ સ્ટેશન અને કમલમ્ સુવિધાજનક બની શકે તો સરકારી સ્કુલો કેમ નહીં ? પ્રજાજનો સરકારે નક્કી કરેલા તમામ ટેક્ષ ભરે છે તો શિક્ષણની સારી સુવિધા કેમ નહિ ? આ અંગે નિલેશ એરવાડિયાએ 'મોરબી અપડેટ' સાથેની વાતચીતમાં જણાવ્યું કે સરકારી શાળાઓમાં સુવિધા નથી, પૂરતા શિક્ષક નથી. તેથી જ લોકો પોતાના સંતાનોને ખાનગી સ્કૂલોમાં મૂકે છે. પછી સરકાર એવું કહીને સરકારી શાળાઓ બંધ કરી દયે છે કે પૂરતી સંખ્યા નથી. નવા સ્ટ્રક્ચર બને, સારું મધ્યાન ભોજન, સારું શિક્ષણ મળે, શિક્ષકો વધુ મુકે તેવી માંગ છે. આ મિટિંગમાં ગુજરાતની પાસ ટિમ આવી રહી છે. 8થી 10 વ્યક્તિ જે રાજકીય પાર્ટીમાં ગયા છે. તે સિવાયના તમામ પાસના આગેવાનો અને કાર્યકરો આવશે. આ બેઠકમાં પાસનું નવું માળખું તૈયાર કરવામાં આવશે. કોઈ લીડર નહિ હોય, દરેક ટિમ હશે. રાજકીય રંગ ન લાગે તે ધ્યાન રખાશે. જિલ્લા અને તાલુકા કક્ષાની ટિમ બનશે. અગાઉ પાસના આંદોલનોમાં જે ભૂલો થઈ છે તે સુધારીને એક અનુસાશન પ્રક્રિયાથી, સંવિધાનીક લડત આપીશું. સરકાર સમક્ષ પહેલા માંગણી મુકીશું. આવેદનો આપીશું. સરકાર માંગણી ધ્યાને નહિ લ્યે તો રેલી અને સરઘસનું આયોજન કરીશું.