સગીરા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંઘી ગર્ભવતી બનાવી હતી મોરબી : માળીયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે વર્ષ પૂર્વે નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યા બાદ પોલીસે અજાણી માતા વિરુદ્ધ ગુન્હો નોંધી હાથ ધરેલી તપાસમાં સગીરા ગર્ભવતી બન્યા બાદ મૃત બાળકનો જન્મ છુપાવવા માટે બાળક ત્યજી દેવામાં આવ્યું હોવાનું સામે આવતા સગીરા ઉપર દુષ્કર્મ થયાનું ખુલ્યું હતું. જે બાદ સગીરાના પિતાની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબ ગુન્હો નોંધાયો હતો. આ અંગેનો કેસ ચાલી જતા મોરબીની પોક્સો અદાલતે આરોપીને કસુરવાન ઠેરવી 20 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. સાથે જ ભોગ બનનારને 4 લાખનું વળતર અને આરોપીને ફટકારવામાં આવેલ દંડની 10 હજારની રકમ ચૂકવવા આદેશ કર્યો હતો.આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2023ના જૂન માસમાં માળીયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા પોલીસે બાળકનો જન્મ છુપાવનાર અજાણી માતા વિરુદ્ધ ગુન્હો નોંધી ગામમાં તપાસ કરતા એક સગીરાએ બાળકને જન્મ આપ્યો હોવાનું સામે આવતા બાળકને જન્મ આપનાર સગીરા અને તેણીના માતાને પોલીસ મથકે લાવવામાં આવતા સગીરાએ ચોંકાવનારી હકીકત પોલીસ સમક્ષ જણાવી તેમના ગામના જ જસમત ગોવિંદભાઇ સીતાપરા સાથે પ્રેમસંબંધ હોવાથી બન્નેએ શારીરિક સંબંધો બાંધતા ગર્ભવતી બની હોવાનું કબુલ્યું હતું.બીજી તરફ ભોગ બનનાર સગીર હોવાનું જાણવા છતાં આરોપીએ અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હોવાથી સગીરા ગર્ભવતી બન્યા બાદ અધૂરા માસે બાળકનો જન્મ આપ્યો હોય પોલીસે સમગ્ર મામલે સગીરાના પિતાની ફરિયાદને આધારે આરોપી જસમત ગોવિંદભાઇ સીતાપરા વિરુદ્ધ પોક્સો એક્ટની કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.દરમિયાન માળીયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બનેલી દુષ્કર્મની આ ચકચારી ઘટના અંગેનો કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની ધારદાર દલીલો અને દસ્તાવેજી પુરાવાઓ તેમજ સાક્ષીઓના નિવેદનના આધારે નામદાર અદાલતે આરોપી જસમત ગોવિંદભાઇ સીતાપરાને કસુરવાન ઠેરવી 20 વર્ષની કેદ અને 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. સાથે જ ભોગ બનનારને સરકારની યોજના અંતર્ગત રૂ.4 લાખ તેમજ આરોપી દંડની રકમ ચૂકવે તે મળી રૂ.4.10 વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.આ કેસમાં સરકારપક્ષે વકીલ એન.ડી.કારિયા અને એસ.સી.દવે રોકાયા હતા.