ટ્રાફિક હળવદ બાજુ ડાયવર્ટ થતા જીઆઇડીસીથી સરા ચોકડી સુધી વાહનોના થપ્પા લાગ્યાહળવદ : સોલડી ટોલનાકે વહેલી સવારે થયેલા ચક્કાજામની અસર હજુ બપોર સુધી દેખાઈ રહી છે. અમદાવાદથી કચ્છ જવાની સાઈડમાં હજુ પણ ભારે ટ્રાફિકજામ દેખાઈ રહ્યો છે. જેને કારણે ટ્રાફિક ક્લિયર ન થાય ત્યાં સુધી ટોલ લેવાનું બંધ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર સોલડી ટોલનાકે ડ્રાઇવર અને ક્લીનરને માર મારવાના બનાવને પગલે ટ્રક ચાલકોએ વહેલી સવારથી ટોલનાકે ચક્કાજામ કર્યો હતો. જે બાદ પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરતા મામલો થાળે પડ્યો હતો. જો કે હજારોની સંખ્યામાં વાહનોના થપ્પા લાગી ગયા હોય હાલ ટોલનાકે 100 જેટલા જવાનો ટ્રાફિક ક્લિયર કરાવવા મથામણ કરી રહ્યા છે. અમદાવાદની કચ્છ જવાની સાઈડમાં હજુ ટ્રાફિક યથાવત છે. બીજી સાઈડમાં ટ્રાફિક ક્લિયર થઈ ગયો છે. વધુમાં જ્યાં સુધી ટ્રાફિક ક્લિયર ન થાય ત્યાં સુધી ટોલ ઉઘરાવવાનું બંધ કરી દેવાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં અમદાવાદથી કચ્છ તરફનો ટ્રાફિક હળવદ બાજુ ડાયવર્ટ થતા હળવદમાં પણ ભારે ટ્રાફિક સર્જાયો છે. અત્યારે બપોરે 1 વાગ્યાની સ્થિતિએ હળવદમાં જીઆઇડીસીથી લઈ સરા ચોકડી સુધી વાહનોના થપ્પા લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.