અગાઉ નોટિસ અપાયા બાદ ટીપી શાખાની ટીમે ઇલેક્ટ્રિક ગોડાઉનના શેડનું ડીમોલેશન હાથ ધર્યુંમોરબી : મોરબીના વોરાબાગમાં મંજૂરી વગરના બાંધકામનું આજે મહાપાલિકાની ટિમ દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીપી શાખાના અધિકારીઓની હાજરીમાં જેસીબીની મદદથી આ બાંધકામનો કડુસલો બોલાવી દેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી મહાપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે થઈ રહેલા નવા બાંધકામોને ધડાધડ નોટીસો ફટકારી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે સામાકાંઠે વોરા બાગમાં આવેલ એક ઇલેક્ટ્રિકના ગોડાઉનના શેડને અગાઉ નોટિસ અપાયા બાદ આજે ટીપી શાખાની ટિમ દ્વારા અંદાજે 200 ફૂટના આ ગોડાઉનના શેડને જેસીબીની મદદથી તોડી નાખવામાં આવ્યું છે.આ મામલે મહાપાલિકાની ટીપી શાખાના અધિકારીએ જણાવ્યું કે વોરાબાગ વિસ્તારમાં આવેલ આ ઇલેક્ટ્રિક ગોડાઉનના શેડના બાંધકામમાં નિયમનું પાલન થયું ન હતું. માર્જિનની અને રોડની જગ્યા છોડી ન હતી. જેને પગલે અગાઉ નોટિસ અપાઈ હતી. ત્યારબાદ આજે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.