ડેમનું પાણી સીધું લોકોને ધાબડી દેવાય છે, ફિલ્ટર પ્લાન્ટમાં જ પાણીમાં બેથી ત્રણ મરેલી માછલી જોવા મળી : પાણી પુરવઠા બોર્ડના અધિકારીને આ મામલે પૂછતાં તેઓએ કહ્યું 'મને ખ્યાલ નથી તપાસ કરાવી લવ છું'મોરબી : મોરબીનું નજરબાગ ફિલ્ટર પ્લાન્ટ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં હોય, ડેમનું ગંદુ પાણી લોકોને સીધે સીધું ફિલ્ટર કર્યા વગર જ ધાબડી દઈ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે પાણી પુરવઠા બોર્ડના અધિકારી પણ આ મામલે અજાણ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નજરબાગ ફિલ્ટર પ્લાન્ટમાંથી ભડિયાદ, ત્રાજપર, માળિયા વનાળિયા, લાલપર, ધરમપુર, ટીંબડી ગામની 40 હજાર વસ્તીને પાણી વિતરણ કરવામાં આવે છે. આમાનો ઘણો વિસ્તાર હવે મહાપાલિકામાં પણ ભળી ગયો છે. આજે સવારથી આ વિસ્તારમાં પાણી અતિશય ગંદુ અને દુર્ગંધ મારતું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. જેને પગલે 'મોરબી અપડેટ'ની ટીમે નજરબાગ ફિલ્ટર પ્લાન્ટનું રિયાલિટી ચેક કરતા આ ફિલ્ટર પ્લાન્ટ તો બે વર્ષથી બંધ હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા બે વર્ષથી ડેમનું પાણી ફિલ્ટર કર્યા વગર જ સીધું લોકોને ધાબડી દેવાય છે. અહીં ક્લોરીનેશનની પ્રક્રિયા પણ થતી નથી. વધુમાં ફિલ્ટર પ્લાન્ટમાં જ્યાં ક્લોરીનેશનની પ્રક્રિયા થતી હોય છે તે જગ્યાએ બેથી ત્રણ મરેલા માછલાં પણ જોવા મળ્યા હતા. આ મામલે પાણી પુરવઠા બોર્ડના અધિકારી દામાને પૂછતાં તેઓએ જણાવ્યું કે મને ખ્યાલ નથી હું તપાસ કરી લવ છું. આમ અધિકારીને પણ ફિલ્ટર પ્લાન્ટમાં શુ ચાલી રહ્યું છે તેનો ખ્યાલ ન હોવાનું જાણવા મળી રહ્યું છે.