મોરબી : મોરબીમાં નવલખી હાઈવે પર માતેલા સાંઢની જેમ ટ્રક ચાલતા હોય છે. આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર પર અનેક આક્ષેપો લગાડવામાં આવ્યા છે. ત્યારે હાલ આ ટ્રકો પર રોક લગાવવા આપના જીલ્લા મહામંત્રી રમેશભાઈ સદાતીયા દ્વારા માંગ કરવામાં આવી છે.તેઓએ જણાવ્યું છે કે મોરબી નવલખી બંદર ઈન્ડોનેશિયન કોલસાનું હબ ગણાય છે. આ ઈન્ડોનેશિયન કોલસા નવલખી બંદરથી મોરબીમાં અનેક જગ્યાએ સપ્લાય થાય છે. આ કોલસો સપ્લાય કરવામાં માટે નવલખી રોડ પર ખુલ્લા ટ્રક ખુબ જ પ્રમાણમાં અવરજવર રહે છે. આ ખુલ્લા ટ્રકમાંથી ખૂબ જ પ્રમાણમાં કોલસો રોડ પર પડે છે જેનાં લીધે તે રોડ પર અવારનવાર અકસ્માત સર્જાય છે. આ રોડ પર મોટરસાયકલ જેવા વાહનો ચાલવા માટે જીવને જોખમ રહે છે. આ ખુલ્લા ટ્રક ઓવરલોડ અને ફુલ સ્પીડમાં ચલાવતા તે રોડ પર પસાર થવું મુશ્કેલ પડે છે. જે મુદ્દાઓને લઈ ને આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી રમેશભાઈ સદાતીયા જે ખાખરાલા ગામના વતની છે તેમના દ્વારા તંત્ર અને RTO પર અનેક આક્ષેપો કર્યા છે જેમાં આ ઓવર લોડ વાહનોને RTO દ્વારા કેમ નજરઅંદાજ કરવામાં આવે છે? ક્યાંક RTO અધીકારી હપ્તા લેતો હશે? ભાજપના હોદ્દેદારો કે નેતાઓના આ ટ્રક હશે જેથી જવાબદાર અધિકારીઓ પગલાં નહીં લેતા હોય? મોરબી જિલ્લાના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને ગામના આગેવાનો કેમ મુક્ત પ્રેક્ષક બનીને બેઠા છે. શું આ લોકોની મીલીભગત હશે? આવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. અને સાથે સાથે જો આ માતેલા સાંઢની જેમ દોડતા ટ્રકો બંધ નહીં થાય તો ત્યાંનાં ગામડાનાં લોકો ને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે. જો કોઈ અનીચ્છનીય બનાવ બને તો તેની તમામ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.