હળવદ : હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભામાં વિવિધ તાલુકાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાઈચારો દર્શાવીને શાંતિપૂર્ણ રીતે કોઈ પણ ગ્રામ પંચાયત બિન હરીફ કે સમરસ થાય તે માટેના પ્રયત્નો આગેવાનો દ્વારા કરવામાં આવે છે. જેના પરિણામે પંચાયતોને સરકાર દ્વારા મળવાપત્ર સમરસ ગ્રાન્ટ ઉપરાંત ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તરફથી પાંચ લાખ વધારાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું છે કે, ધાંગધ્રા-હળવદ વિધાનસભામાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે ગામ જો બિનહરીફ કે સમરસ થશે તો ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટમાંથી વધારાના રૂપિયા 5 લાખ તે ગ્રામ પંચાયતને આપવામાં આવશે. તેથી ગ્રામ પંચાયત સમરસ કે બિનહરીફ થાય તેવા પ્રયત્ન કરવા ધારાસભ્યએ અપીલ કરી છે.