યુવાનના એક વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા, તેમની પત્ની સાથે સિડનીમાં રહેતો હતો : પરિવારમાં ભારે શોક : મંગળવારે પીએમ કર્યા બાદ મૃતદેહ વતન પરત લાવવાની કાર્યવાહી થશેહળવદ : મૂળ હળવદ પંથકનો આશાસ્પદ યુવાન ઓસ્ટ્રેલિયામાં લાપતા બન્યા બાદ તેમનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જેને પગલે સમગ્ર પરિવારમાં અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આગામી મંગળવારે આ યુવાનના મૃતદેહનું પીએમ થશે ત્યારબાદ મૃતદેહ વતન પરત લાવવાની કાર્યવાહી થશે તેમ જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના મેરૂપર ગામનો યુવાન જયદીપસિંહ અજીતસિંહ ડોડીયા ઉ.વ.29 જે સાતેક વર્ષ પહેલાં સ્ટુડન્ટ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયા ગયો હતો. ત્યારબાદ ત્યાં ભણી ત્યાં જ નોકરીએ પણ લાગ્યો હતો. આ યુવાનના એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્નના ત્રણ મહિના બાદ તેમના પત્નીના વિઝા પણ થઈ જતા પતિ-પત્ની બન્ને સિડનીમાં રહેતા હતા. આ યુવાન નોકરી કરતો હતો. તેમના પત્ની હાઉસ વાઈફ હતા.ગત તા.1 જુનના રોજ રાત્રીના આ યુવાન નોકરી ઉપર નીકળ્યો હતો. ત્યારબાદ ઘરે પરત ન ફરતા તેમના પત્નીએ 2 જૂને ત્યાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ સાથે ત્યાંના સ્થાનિક મીડીયામાં પણ આ અંગે સમાચાર પ્રસિદ્ધ કરાવ્યા હતા. ત્યારબાદ તા.6ના રોજ આ યુવાન જ્યાં રહેતો હતો ત્યાં ઘરની બાજુમાંથી નીકળી નદીના કાંઠેથી જ તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેમના પત્નીને મૃતદેહની ઓળખ માટે બોલાવ્યા બાદ આ મૃતદેહ તેમના પતિનો જ હોવાની ખરાઈ થઈ હતી. ત્યાં શનિવારથી સોમવાર સુધી રજા હોવાથી હવે મંગળવારે મૃતદેહનું પીએમ થવાનું છે. પીએમ બાદ આ યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે. બીજી તરફ પીએમ બાદ યુવાનનો મૃતદેહ વતન પરત લાવવા હળવદના રાજકીય આગેવાનો પરિવારના સતત સંપર્કમાં છે. તેઓ દુતાવાસ અને રાજ્ય તથા કેન્દ્ર સરકારને આ મામલે જાણ કરી તેમની મદદથી મૃતદેહને જલ્દીથી વતન લાવવા પ્રયાસ કરી રહ્યા છે. સાથે સિડનીમાં રહેતા ગુજરાતીઓ અને ભારતીયો પણ મદદરૂપ થઇ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.