મોરબી : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબી ખાતે પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ ટીચર ટ્રેનિંગ સેમિનારનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા લેખક વક્તા જય વસાવડા, મોટિવેશન સ્પીકર શૈલેષ સગપરિયા તેમજ વિશ્વ વિખ્યાત પેરેંટિંગ ટ્રેઇનર જિતેન્દ્ર ટીંબડીયા દ્વારા શિક્ષકોને તેમજ પ્રોફેસરોને તાજગી સભર તાલીમ આપવામાં આવી હતી. જેમાં શૈલેષ સગપરિયાએ પોતાની આગવી શૈલીમાં સમુદ્ર મંથનના રૂપકથી શિક્ષણની વાત કરી હતી. દરેક વ્યક્તિનું જીવન પણ સમુદ્રમંથન જેવુ છે અને તેમાંથી નીકળતા વિવિધ રત્નોથી જીવનને સફળ કેમ બનાવવું તે વાર્તાના સારથી સમજાવ્યું હતું. વ્યક્તિએ સફળ થવા માટે નકારાત્મકતાથી દૂર રહી સતત અને સખત પરિશ્રમથી ધીરજ પૂર્વક આગળ વધવું પડે. આ સફળતાને ટકાવી રાખવા લોભ લાલચથી દૂર રહી સમય મુજબ અપડેટ થવું પડશે. જય વસાવડાએ વાત કરતાં જણાવ્યું કે, ગુજરાત ભરમાં શિક્ષકોને સતત તાલીમ આપતી જો કોઈ સંસ્થા હોય તો એ એક માત્ર નવયુગ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સ્કૂલ શબ્દ એ મૂળ સ્કોલા પરથી આવ્યો છે જેનો અર્થ થાય આનંદ આપે એ જગ્યા. આપણાં ઋષિ મુનિ સારા શિક્ષક હતા. જે વાર્તા અને કથા દ્વારા બોધ આપી લોકોને શિક્ષિત કરતાં. દરેક માણસના જીવનમાં વનવાસ આવે છે. જે માંદગીરૂપે હોય, ધંધાની નુકસાની હોય, વિદ્યાર્થી નાપાસ થયો હોય પણ આ વનવાસ ના સમયમાં જે કર્મ ચાલુ રાખે છે તે હીરો બની બહાર આવે છે. પેરેંટિંગ ટ્રેઈનર જીતેન્દ્ર ટીંબડીયાએ પોતાની યુનિક સ્ટાઇલમાં શિક્ષકોને માનવતાનો માળી કેવી રીતે બને તેની રસપ્રદ વાતો કરી. બાળક એક બીજ છે અને જેનું જતન,સિંચન, સંસ્કાર કેવી રીતે આપવા તેનું સચોટ માર્ગદર્શન કર્યું હતું. આ ત્રિદિવાસીય ટીચર્સ ટ્રેનિંગ સેમિનારને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઇ સરસવાડીયા તેમજ નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનની મેનેજમેન્ટ ટીમે જહેમત ઉઠાવી હતી.