પ્રાથમિક શિક્ષકોને પરીક્ષા માટે લાયક ગણવામાં આવે તેવી રજૂઆત કરાઈમોરબી : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવનાર આગામી પરીક્ષાઓમાં પ્રાથમિક શિક્ષકનો અનુભવ માન્ય ગણવા બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, રાજ્યમાં આગામી સમયમાં ગુ.રા. જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા શિક્ષણ સેવા વર્ગ-1, વર્ગ-2 અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO)ની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉના સમયમાં આ પ્રકારની તમામ શિક્ષણ સેવા વર્ગની પરીક્ષાઓ પ્રાથમિક શિક્ષકો આપી શકતા હતા, પરંતુ આવનાર નવા રિક્રુટમેન્ટ રુલ્સમાં શિક્ષણ સેવા વર્ગ-2 ની પરીક્ષાઓમાં પ્રાથમિક શિક્ષક તરીકેનો અનુભવ માન્ય ગણવામાં આવે એવી વિનંતી છે. ભૂતકાળમાં શિક્ષકો શિક્ષણ સેવા વર્ગ ક્લાસ 2 અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની પરીક્ષા આપી શકતા હતા. પરંતુ ફીડરની ફીડર કેડર તરીકે પ્રાથમિક વિભાગમાં HTAT મુખ્ય શિક્ષકને ગણેલ છે. ગુજરાત રાજ્યમાં HTAT મુખ્ય શિક્ષકની મહિકમ અંદાજિત 6600 જેટલું છે. જ્યારે પ્રાથમિક શિક્ષકોનું મહિકમ અંદાજિત 2 લાખથી વધુ છે ત્યારે પૂર્વદૃષ્ટાંત ધ્યાને લઈ પ્રાથમિક શિક્ષકોની બહોળી સંખ્યાને ધ્યાનમાં રાખી યોગ્ય તક આપવી જોઈએ. જેથી તંદુરસ્ત હરીફાઈ થશે અને ગુજરાતને સારા અને કાબિલ અધિકારીઓ મળશે. જરૂરી લાયકાત અને યોગ્યતા ધરાવતા પ્રાથમિક શિક્ષકોને પ્રોત્સાહનરૂપે અધિકારી બનવાની તક આપવામાં આવે તો વધુ અભ્યાસ માટે અને પોતાના જ્ઞાનમાં ઉમેરો કરવા માટે સતત તત્પર રહેશે. એક બાજુ સરકાર ઉચ્ચ અભ્યાસ માટે શિક્ષકોને પ્રોત્સાહન આપે છે અને બીજી બાજુ ઉચ્ચ અભ્યાસ અને લાયકાત ધરાવતા શિક્ષકોને પરીક્ષા આપતા અટકાવે તે યોગ્ય નથી. ભૂતકાળમાં આ નિયમો અનુસાર જયારે પરીક્ષાનું આયોજન કરેલ ત્યારે શિક્ષણ વિભાગમાં રજૂઆતો કરતાં ભવિષ્યમાં આ પ્રકારની પરીક્ષા માટે પ્રાથમિક શાળાના યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોના અનુભવો ધ્યાને રાખી પરીક્ષા આપવા દેવામાં આવશે તેવું આશ્વાસન પણ આપેલ. હાલમાં ઘણા પ્રાથમિક શિક્ષકો M.A. B.ED., Ph.D જેવી શૈક્ષણિક લાયકાતો ધરાવે છે. હવે જયારે GPSC દ્વારા શિક્ષણ સેવા વર્ગ-1, 2 અને TPEO ની પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે ત્યારે યોગ્ય લાયકાત ધરાવતા પ્રાથમિક શિક્ષકોનો અનુભવ ધ્યાને લેવા અને માન્ય ગણવા અમારી વિનંતી સહ રજૂઆત છે.ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં 6 થી 8 માં અધ્યાપન કરાવતા શિક્ષકોનો RTE Rules 2009 મુજબ કામના કલાકો અને કામગીરી નિમ્ન પ્રાથમિક વિભાગ કરતા અલગ હોય અન્ય રાજ્યોમાં એમનું પગાર ધોરણ માધ્યમિક શાળાના શિક્ષકો જેટલું છે. જ્યારે ગુજરાતમાં બન્ને વિભાગ અલગ હોવા છતા એક જ પગાર ધોરણ મળે છે. પે મેટ્રિક્સ લેવલ 6 (4200 ગ્રેડ પે) નોકરીની શરૂઆતથી મળવું જોઈએ પણ તે નથી મળી રહ્યુ. એ પ્રથમ અન્યાય અને પરીક્ષાની તક પણ આપવા દેવામાં ન આવે એ બીજો અન્યાય. કંઈ ના થઈ શકે તો શિક્ષકોને માત્ર અધિકારી બનવા માટેની તક મળે એવી વિનંતિ મુખ્યમંત્રીને કરાઈ છે. નહીંતર આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવાયું છે.