6 જૂનથી 15 જૂન સુધી યોજાનાર સ્પર્ધામાં મોરબી જિલ્લા વાસીઓ ભાગ લઈ શકશેમોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત લોકોને નવા ત્રણ કાયદાની સમજ આપવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ત્રણેય નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 વિશે માહિતી મળે તે હેતુથી ઓડિયો, વીડિયો તથા ચિત્ર બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા તારીખ 6 જૂનથી 15 જૂન સુધી યોજાશે. જેમાં ચિત્ર સ્પર્ધા, ઓડિયો સ્પર્ધા અને વીડિયો સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય આવનારને 2000 થી 20,000 સુધીના રોકડ ઇનામો આપવામાં આવશે. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ આવનારને 5000 દ્વિતીયને 3000, તૃતીયને 2000 તથા ઓડિયો સ્પર્ધામાં પ્રથમ આવનારને 15,000, દ્વિતીયને 10,000 અને તૃતીયને 5000 તથા વીડિયો સ્પર્ધામાં પ્રથમ આવનારને 20,000, દ્વિતીયને 15,000 અને તૃતીયને 10,000 ઇનામ આપવામાં આવશે.સ્પર્ધાનું પરિણામ 20 જૂનના રોજ મીડિયાના માધ્યમથી જાહેર કરવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર નાગરિકોએ તેમના ચિત્રો ઓડિયો, વીડિયો ઇમેલ આઇડી ab-sp-morbi@gujarat.gov.in પર 6 જૂન થી 15 જૂન સુધીમાં મોકલી આપવા જણાવ્યું છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ એક જ કૃતિમાં ભાગ લઈ શકશે.