મોરબી : મોરબીના પર્યાવરણ પ્રેમી જીતેન્દ્રભાઈ ઠક્કરે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરીને મોરબી શહેરમાં વિવિધ સ્થળે આવેલા વૃક્ષોની જાળવણી, વૃક્ષો વાવવા અને ઉછેરવા બાબતે જણાવ્યું છે.રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી શહેરમાં શનાળા રોડ, રવાપર રોડ અને વાવડી રોડ પર અગાઉ વાવેલા અને ઉછરી ગયેલા વૃક્ષો વિવિધ કારણોસર જેમ કે સુકાઈ જવાથી, રોડ રસ્તા પર પેવર કામ દરમિયાન અડચણરૂપ થતા કાઢી નાખવામાં આવ્યા છે જેથી આ વૃક્ષો હાલ મોજુદ નથી. નવા બસ સ્ટેન્ડથી આગળ જીઆઈડીસી પાસે પેવર બ્લોક કામ દરમિયાન આયુર્વેદિક મહત્તા ધરાવતું નગોડ વૃક્ષ કોઈએ કાઢી નાખ્યું છે. પર્યાવરણ સુરક્ષા તરફ દુર્લક્ષની દુરોગામી અસરને લીધો આપણે અતિ ગરમીનો સામનો કરી રહ્યા છીએ. હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ એક પેડ મા કે નામ અંતર્ગત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી શહેરમાં તમામ સ્થળોએ ફરી વૃક્ષો વાવીને ભવિષ્યમાં એ કોઈપણ બહાના હેઠળ દુર ન કરવામાં આવે તેવું આયોજન અને અમલીકરણ કરાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.