બાપાસિતારામ ચોકથી લઈ અવની ચોકડી સુધી રોડ ઉપર લગાવાયેલ હોર્ડિંગ્સ જેસીબી વડે તોડી નખાયા : પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અત્યાર સુધીમાં 50 જેટલા હોર્ડિંગ્સ હટાવાયા મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આજે ગેરકાયદે ખડકાયેલા હોર્ડિંગ્સ વિરૂદ્ધ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બાપાસીતારામ ચોકથી અવની ચોકડી સુધી રોડ ઉપર લગાવાયેલ હોર્ડિંગ્સનો કડુસલો બોલાવી દેવામાં આવ્યો છે. ચોમાસામાં ભારે પવનના કારણે કોઈનો જીવ ન જોખમાઈ તે માટે મહાપાલિકા દ્વારા ગેરકાયદે લગાવાયેલ હોર્ડિંગ્સ ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે. જે અન્વયે આજે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાનીમાં મહાપાલિકાની ટિમો દ્વારા બાપાસીતારામ ચોકથી લઈ અવની ચોકડી સુધીના રસ્તામાં અનેક હોર્ડિંગ્સ બે જેસીબીની મદદથી હટાવી નાખવામાં આવ્યા છે. આ સાથે હજુ અવની ચોકડીએ લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. આમ આજે 10 જેટલા હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે. સાથે એક દીવાલનું દબાણ પણ તોડી પાડવામાં આવ્યું છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે ચોમાસાને ધ્યાને લઇ બે મહિનાથી ગેરકાયદેસર રીતે હોર્ડિંગ્સ લગાવનારને નોટિસો આપવામાં આવી રહી હતી. જેમાના ઘણા લોકોએ હોર્ડિંગ્સ ઉતારી પણ લીધા છે પણ અમુક જગ્યાએ તેનું સ્ટ્રક્ચર હજુ યથાવત હતું. જેથી મહાપાલિકા દ્વારા ગેરકાયદે હોર્ડિંગ્સ તોડી પાડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે 50 જેટલા ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું કે જે લોકો હોર્ડિંગ્સ લગાવવા ઇચ્છતા હોય તેઓને અપીલ છે કે મહાપાલિકાએ નિયત કરેલ જગ્યા છે ત્યાં નિયમ મુજબ ઓનલાઈન એપ્લિકેશન કરી ધારા ધોરણ પ્રમાણે હોર્ડિંગ્સ લગાવી શકાય છે. વધુમાં તેઓએ ડીમોલેશન વિશે જણાવ્યુ કે ચોમાસા દરમિયાન કોમર્શિયલ દબાણોનું ડીમોલેશન ચાલુ જ રહેશે.