બાંધકામ મંજૂરીનો નવો નિયમ માત્ર મોરબી જિલ્લામાં જ હોવાનું સરપંચોનો આરોપ : નિયમમાં બાંધછોડ કરવા સરપંચોની ડીડીઓને રજૂઆત મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ એક ખાસ પરિપત્ર કરી જાહેર કર્યું છે જે કોઈપણ બાંધકામ મંજૂરી સરપંચની સહીથી આપવામાં આવે તો આવા સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરવા વડી કચેરીને ભલામણ કરવા હુકમ કરતા સરપંચો સમસમી ઉઠ્યા છે. ડીડીઓના આ પરિપત્ર સામે મોરબી, ટંકારા અને માળીયા (મી.)ના મુખ્ય સરપંચો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળી આ નિયમ રાજ્યમાં ક્યાંય પણ ન હોવાની રજુઆત કરી હતી. જો કે, ડીડીઓ પોતાના આદેશ ઉપર મક્કમ રહ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તા.22 એપ્રિલ 2025ના રોજ તમામ ગ્રામ પંચાયતના તલાટીઓને ખાસ પરિપત્ર કરી ગ્રામ પંચાયત વિસ્તારમાં બાંધકામ પરવાનગી માટે રજૂ થતી અરજી સંદર્ભે ફરજીયાત પણે સંબંધિત તાલુકા વિકાસ અધિકારીને પ્રકરણ મોકલી તાલુકાના નિયુક્ત થયેલા ઈજનેરના અભિપ્રાય માટે મોકલવા તેમજ અભિપ્રાય આવ્યા બાદ પંચાયતની સભા બોલાવી બાંધકામ પરવાનગીની મંજૂરી કે નામંજૂરી આપવા આદેશ કર્યો છે. સાથે જ તમામ બાંધકામ મંજૂરીની અરજી સરપંચ અને વહીવટદારના વંચાણે મુક્યા બાદ જ આગળની કાર્યવાહી કરવા પરિપત્રમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે. સાથે જ બાંધકામ મંજૂરી આપતી વેળાએ પંચાયત સભાના તારીખ અને ઠરાવ નંબર પણ આપવા હુકમ કરાયો છે.જિલ્લા વિકાસ અધિકારીના આ પરિપત્રમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ સંજોગોમાં સરપંચની સહીથી બાંધકામ અંગેની મંજૂરી ન આપવામાં આવે તેની તકેદારી રાખવી તેમજ સરપંચ દ્વારા આવી મંજૂરી આપવામાં આવી હોવાનું ધ્યાને આવે તો તુરત જ વડી કચેરીનું ધ્યાન દોરવા અને સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરવા ભલામણ કરવા પણ પરિપત્રમાં આદેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ જિલ્લા વિકાસ અધિકારીના આ આદેશને પગલે સરપંચ આલમમાં ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે. સાથે જ મોરબી, માળીયા(મી.) અને ટંકારાના મુખ્ય સરપંચો દ્વારા આ નિયમમાં બાંધછોડ કરવા અને આ નિયમ હાઈરાઈઝ બિલ્ડીંગ માટે જ રાખવા જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ રજુઆત કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીએ સ્પષ્ટ નનૈયો ભણી દીધો હોવાનું પણ સામે આવ્યું છે.બાંધકામ પરવાનગીના આકરા નિયમને કારણે વિકાસ રૂંધાશે : સરપંચોમોરબી જિલ્લામાં બાંધકામ પરવાનગી માટે પંચાયતના ઇજનેરનો અભિપ્રાય ફરજીયાત કરવાના નિર્ણય સામે વીરપર ગામના સરપંચ મહેશભાઈ લિખિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં એક પણ જિલ્લામાં આવો નિયમ અમલમાં નથી ત્યારે મોરબીમાં આવો નિયમ શા માટે તેવો સવાલ ઉઠાવી જણાવ્યું હતું કે, છેલ્લા દોઢેક માસથી નવો નિયમ અમલી બનતા બાંધકામ મંજરી અટકી પડી છે સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, પંચાયતના ઇજનેરો પાસે કામનો ભરાવો હોવાથી તેઓ બાંધકામ મંજૂરીના અભિપ્રાય આપી શકતા ન હોવાથી નવા પરિપત્રથી કામગીરી હાલમાં વિલંબિત બની હોવાની રજૂઆત ડીડીઓને કરી હોવાનું જણાવ્યું હતું. આ અંગે આગામી સમયમાં સરપંચો સાથે બેઠક કરીને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે