રાત્રિના સમયે આવા સ્પીડ બ્રેકરોના કારણે અકસ્માત સર્જાવાનો ભયવાંકાનેર : વાંકાનેરના ખેરવા ગામના વતની આર.ટી.આઈ એક્ટિવિસ્ટ અને સામાજિક આગેવાન ગજેન્દ્રસિંહ ઝાલાએ કુવાડવાથી વાંકાનેર સ્ટેટ હાઈવે રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાં આવે છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ખેરવા ગામ પાસે હાઇવે પર જે સ્પીડ બ્રેકરો છે તે વાહન ચાલકોને દેખાતા નથી જેના કારણે અકસ્માતો સર્જાય છે. આવા સ્પીડ બ્રેકરો પર ખાસ કરીને ટુ વ્હીલર અને નાના વ્હીલ વાળા વાહનો ઉછળીને પડે છે. ત્યારે આ પ્રકારના સ્પીડ બ્રેકરો જીવલેણ સાબિત થાય તેવા છે. ત્યારે આવા સ્પીડ બ્રેકરો પર સફેદ પટ્ટા મારવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.વાંકાનેર થી કુવાડવા જતા ખેરવા સહિતના અન્ય ગામો પાસે હાઇવે પર આવેલા સ્પીડ બ્રેકરો ઉપર સફેદ પટ્ટા સંપૂર્ણપણે ભુંસાઈ ગયા છે અને રેડિયમ રિફ્લેક્ટર પણ રાત્રિના સમયે નજરમાં આવતા નથી તેથી વાહન ચાલકો ઉછળીને પડે છે. જે અંગે જવાબદાર તંત્રના અધિકારીને ટેલીફોનિક રજૂઆત કરી છે. જે રજૂઆતને લાંબો સમય થવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે તંત્ર કોઈકના મોતની રાહ જોતું હોય તેમ જણાય છે. અધિકારીની બેદરકારી અને લાપરવાહીમાં સરકારે જવાબદારને દોષિત ઠેરવી દંડનીય કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે સરકાર ટ્રાફિકની નાની એવી ભુલ બદલ વાહન ચાલકોને તોતિંગ દંડ વસૂલતી હોય તો અધિકારીઓની પણ જવાબદારી ફિક્સ થવી જોઈએ. આશ્ચર્યની બાબત તો એ છે કે જે જગ્યાએ આ સ્પીડ બ્રેકરો છે તેની બાજુમાં જ હાઇવે પર કેમેરા ચાલુ હોવા છતાં દેખાતું નથી. ત્યારે તાત્કાલિક ધોરણે આવા સ્પીડ બ્રેકર ઉપર સફેદ પટ્ટા મારવામાં આવે અને રિફ્લેક્ટરો નવા નાખવામાં આવે.