મોરબી : લીંબડો, પીપળો, વડલો, ઉમરો અને આંબલી જેવા વૃક્ષની જો થોડી માવજત કરી પ્રેમથી પાણીનું સિંચન કરવામાં આવે તો થોડા વર્ષોમાં જ આવા લાંબા આયુષ્ય ધરાવતા વૃક્ષ વર્ષો સુધી શીતળતા આપતા હોય છે. પરંતુ આજના સમયમાં વૃક્ષારોપણ એટલે માત્ર ફોટોસેશન એવું જ સમજતા લોકો વૃક્ષ વાવીને સંભાળ રાખવાનું ભૂલી જતા હોય છે. જો કે એક વૃક્ષની કિંમત શું હોય છે તે અહીં આપેલી આ તસ્વીર ઘણું બધું કહી જાય છે.કાળઝાળ ઉનાળામાં સૌ કોઈને પોતાના વાહન વૃક્ષના છાંયડામાં ઉભા રાખવા છે પણ વૃક્ષ વાવવા નથી. પ્રસ્તુત તસ્વીર મોરબીના નેશનલ હાઇવે ઉપર લાલપર પાસે આવેલા શક્તિ ચેમ્બરના મેદાનની છે. અહીં એક માત્ર અડીખમ લીંબડાનું વૃક્ષ ઉભું છે. નજીકમાં આવેલ સિરામિકના ટ્રેડિંગના વ્યાવસાયિકો તેમજ બેંકમાં આવતા ગ્રાહકો કડવા લીંબડાના ઝાડ નીચે પોતાના વાહનો પાર્ક કરવાની સાથે આકરા તાપમાં થોડો સમય માટે મીઠો છાંયડો મેળવી ગરમીમાંથી રાહત મેળવી રહ્યા છે. વર્ષો પહેલાં વાવેલો નાનકડો છોડ આજે ઘટાટોપ વૃક્ષ બની ગયું છે અને કાળઝાળ ગરમીમાં અનેક લોકોને ફ્રીમાં શીતળતા પ્રદાન કરી રહ્યું છે. આ તસ્વીર જોઈને એટલું જરૂર શીખી શકાય કે જો એક નાનકડા છોડની યોગ્ય માવજત અને સાર સંભાળ રાખવામાં આવે તો તે છોડ ભવિષ્યમાં વિશાળ વૃક્ષ બની હંમેશા શીતળતા અને છાયડો આપતું રહે છે.