ટંકારા : હાલ ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે ત્યારે ટંકારાના નાના ખીજડીયા ગામના આગાહીકાર રમેશભાઈ બસીયાએ ચોમાસાના આગમનને લઈને જરૂરી માહિતી આપી છે. રમેશભાઈ બસીયાના જણાવ્યા પ્રમાણે હાલ ચોમસુ ગુજરાતના કાંઠે આવી ત્યાં જ રોકાઈ ગયું છે. હાલ કોઈ એવી સિસ્ટમ નથી કે ચોમાસાને આગળ વધવામાં મદદ કરે એટલે હાલ ચોમાસુ આગળ નહીં વધે.હાલ અરબી સમુદ્રના ભેજવાળા પવન સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં થી પસાર થશે એટલે તારીખ 2 થી 6 જૂન સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં છૂટાછવાયા સીમિત વિસ્તારમાં હળવો, મધ્યમ વરસાદ પડશે. હાલ કોઈ વધુ વરસાદની શક્યતા નથી પણ તારીખ 12 જૂન આસપાસ બંગાળની ખાડીમાં સિસ્ટમ બને તેવી શક્યતા છે. હાલના અંદાજ મુજબ જો આ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધે અને મધ્યપ્રદેશ ઉપર 14 જૂન આસપાસ આવે તેમ છે. જો આમ થાય તો 15 જૂનથી ફરી ચોમાસુ આગળ વધશે અને ગુજરાતમાં સમયસર ચોમાસુ આવી શકે એમ છે.