ધોકાવાળી થતા બન્ને પક્ષના લોકોને ઇજા, સામસામી ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીના વાવડી ગામે કબીર આશ્રમ પાછળ રહેતા બે પરિવારો વચ્ચે પ્રેમસંબધ મામલે બોલાચાલી બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સામસામે ધોકા લઈને આવી ગયેલા લોકોએ બઘડાટી બોલાવી હતી. આ ઝઘડામાં બન્ને પક્ષના લોકોને ઇજાઓ પહોંચતા સામસામી ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે વાવડી કબીર આશ્રમ પાછળ ભક્તિનગર 2મા રહેતા રંજનબેન વસુદેવભાઈ પરમાર ઉ.55 નામના મહિલાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના પુત્ર વિષ્ણુને આરોપી પ્રકાશ માધુભાઈ કણઝારીયાની બહેન સાથે પ્રેમસંબંધ હોય જે બાબતે અગાઉ સમાધાન થઈ ગયું હોવા છતાં ફોનમાં બોલાચાલી કરી આરોપી પ્રકાશ માધુભાઈ કણઝારીયા, મયંક ઉર્ફે ઉમેશ વિનુભાઈ પરમાર, માધુભાઈ કેશુભાઈ કણઝારીયા અને ધીરુભાઈ ગોવિંદભાઇ હડિયલે ઘરની બહાર બોલાવી ઝઘડો કરી ફરિયાદી તેમજ તેમના પુત્ર અને પતિને લાકડાના ધોકા વડે માર મારી ઇજાઓ પહોંચાડતા ફરિયાદ નોંધાવી હતી.સામાપક્ષે નરેશભાઈ વિનોદભાઈ પરમારે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી વિષ્ણુ વસુદેવભાઈ પરમારને ફરિયાદીની મામાની દીકરી લક્ષ્મી ઉર્ફે પૂજા સાથે પ્રેમસંબંધ હોય જેથી ફરિયાદીના ભાઈ સાથે ઝઘડો કરી ગાળો આપતા ફરિયાદી તેમજ સાહેદો સમજાવવા જતા આરોપી વિષ્ણુ વાસુદેવભાઈ પરમાર, વાસુદેવભાઈ પરમાર, રંજનબેન વાસુદેવભાઈ પરમાર તેમજ જીગ્નેશ જગદીશભાઈ નકુમે પથ્થરના છુટા ઘા કરી લાકડાના ધોકા વડે હુમલો કરતા સાહેદ ગીતાબેન, ધીરુભાઈ અને રમેશભાઈને ઇજાઓ પહોંચતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.