પિતાના મૃત્યુ બાદ મોટી દીકરીએ દીકરાનો ધર્મ નિભાવી પિતાને કાંધ આપી અંતિમ સંસ્કાર કર્યાહળવદ : હળવદ તાલુકાના શક્તિનગર ગામે એક પરિવાર સાથે કુદરતે જાણે ક્રુરતા દાખવી હોય તેવી કરુણ ઘટના ઘટી છે.7 દીકરી બાદ આવેલો દીકરો જન્મતા વેંત જ મૃત્યુ પામતા તેના આઘાતમાં પિતાનું પણ મૃત્યુ થયું છે. બાદમાં મોટી દીકરીએ દીકરાનો ધર્મ નિભાવી પિતાને કાંધ આપી અંતિમ સંસ્કાર કર્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના શક્તિનગર ગામમાં રહેતા અને નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા ૪૧ વર્ષના બ્રાહ્મણ પરિવારના ભાવેશભાઈ દલપતભાઈ ભટ્ટના ઘરે તાજેતરમાં 7 દીકરી બાદ દીકરાનો જન્મ થયો હતો.જો કે જન્મતા વેંત જ દીકરાનું મૃત્યુ થયું હતું.આ ઘટનાથી આઘાતમાં સરી પડેલા ભાવેશભાઈનું 15 જ દિવસમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. 7 દિકરીઓમાં તેમની સૌથી મોટી દીકરી 19 વર્ષની છે અને સૌથી નાની દીકરી 5 વર્ષની છે.પરિવારમાં એકને એક દીકરાનો જન્મ થતા વેંત જ તે મૃત્યુ પામ્યો.ઉપરથી પરિવારના આધાર સ્તંભ એવા ભાવેશભાઈનું પણ મૃત્યુ નિપજતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન પરિવારની મોટી દીકરી મીતલએ પિતાને કાંધ આપી અગ્નિ સંસ્કાર કરી દીકરાનો ધર્મ નિભાવ્યો હતો.અંતિમ વિધિમાં અનેક સેવાકીય અગ્રણીઓએ પરિવારની પડખે ઉભા રહી માનવતા દાખવી હતી.વધુમાં સામાજિક અગ્રણીઓએ આ પરિવારને ફૂલ નહિ પણ ફૂલની પાંખડી સમાન મદદ કરી પુણ્યનું ભાથું બાંધવા અપીલ છે.