જન્મ મરણના દાખલા, આવક- જાવકની કામગીરી બંધ રહેતા અરજદારોને ધરમના ધક્કા, ટીપી શાખા પણ બંધ : ખુદ ડેપ્યુટી કમિશનર પણ કામગીરી બંધ હોવાની વાતથી અજાણ : એક દિવસ આગોતરી જાણ કરી હોત તો લોકોને ધક્કા ન થાતમોરબી : મોરબી મહાપાલિકાનો મોટા ભાગનો સ્ટાફ આજે પીએમ ગાંધીનગર કાર્યક્રમમાં જતા અનેક સેવાઓ બંધ રાખવામાં આવી છે. આ અંગે કોઈ આગોતરી જાણ કરવામાં ન આવતા અરજદારોને સવારમાં ધરમના ધક્કા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી મહાપાલિકાના ક્લાર્ક, ડેપ્યુટી એન્જી. આસિસ્ટન્ટ એન્જી.,વર્ક આસસિસ્ટ, શાખા અધિકારીઓ સહિતના 50 અધિકારી તથા કર્મચારીઓ આજે ગાંધીનગર પીએમ આવી રહ્યા છે ત્યારે શહેરી વિકાસ વિભાગનો જે કાર્યક્રમ છે તેમાં ગયો છે. જેના કારણે મહાપાલિકાની અનેક સેવાઓ આજે ખોરવાઈ ગઈ છે. જન્મ મરણ, આવક જાવક વિભાગ મહત્વની સેવાઓ આજે બંધ રાખવામાં આવી છે. સિટી સિવિક સેન્ટર સવારથી બંધ હોવાથી 100થી વધુ અરજદારોને પાછા ફર્યા હતા. બીજી તરફ મહાપાલિકાની આવકનું સાધન એવા ટેક્સ વિભાગને ચાલુ રાખવામાં આવ્યો છે. જો મહાપાલિકા દ્વારા એક દિવસ આગોતરી જાણ કરવામાં આવી હોત તો લોકોને ધરમના ધક્કા થયા ન હોત. બીજી તરફ આ મામલે ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાને પૂછતાં તેઓએ એવું જણાવ્યું કે હું જોવડાવી લવ છું. આમ ડેપ્યુટી કમિશનરને પણ આજે મહાપાલિકામાં કેટલી શાખા કાર્યરત છે તે અંગે જાણ ન હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.