સ્ટેશનરી ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનની રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નિયામકને રજુઆત મોરબી : વેકેશન પૂર્ણ થવામાં માત્ર બે સપ્તાહ બાકી છે તેમ છતાં ધો ૧ થી ૯ ના પાઠ્યપુસ્તક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા નથી. જેથી સ્ટેશનરીઓમાં પણ પુસ્તકોની ઘટ છે. વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો મોડા પહોંચે તેવું લાગી રહ્યું છે. રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નિયામકને સ્ટેશનરી ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશ દ્વારા કરાયેલી રજુઆતમાં જણાવાયુ છે કે સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ગુજરાતભરમાં ગાંધીનગરથી પાઠ્યપુસ્તકનું વિતરણ શરૂ કરી દેવામાં આવે છે અને બે મહિના વિતરણ કર્યા બાદ શાળા ખુલ્યા સુધીમાં વિધાર્થીઓ સુધી પાઠયપુસ્તકો પહોંચતા હોય છે. આ વર્ષે શાળા ખુલવાને માત્ર બે અઠવાડિયા બાકી હોય અને પાઠ્યપુસ્તક મંડળ પાસે પુરતા પ્રમાણમાં પાઠયપુસ્તકો ઉપલબ્ધ ન હોવાથી વિતરણ કાર્ય ખોરંભે ચડી ગયું છે.હજુ ધોરણ ૧ થી ૯ ના જરૂર મુજબના પાઠ્યપુસ્તકો માર્કેટમાં આવતા લગભગ ૨૫ જુન થઈ જાય તેવી શક્યતા છે. વાલીઓને પણ જણાવ્યું છે કે પાઠ્યપુસ્તક સિવાય બજારમાં મળતા સંદર્ભ પુસ્તકો તથા નોટબુક/સ્ટેશનરીની હાલ ખરીદી કરી શકે છે માત્ર પાઠ્યપુસ્તકો બજારમાં મોડા આવશે.વધુમાં શાળા સંચાલકોને જણાવાયુ છે કે શાળા ખુલ્યા બાદ પણ ૧૫થી ૨૦ દિવસ સુધી અમુક વિધાર્થીઓ સુધી પાઠ્યપુસ્તક ન મળે તો અન્ય સાહિત્ય અથવા ઈતર સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા અભ્યાસ કરાવે તેવી અપીલ કરવામાં આવે છે.