ટંકારા નજીક લૂંટ -ધાડને અંજામ આપનાર ટોળકીને લગધીરગઢના યુવાને આપ્યો હતો આશરો મોરબી : મોરબી -રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક ખજૂરા હોટલના પ્રાંગણમાં 90 લાખ રૂપિયાની લૂંટ અને ધાડના ચકચારી બનાવમાં ટંકારા પોલીસે લગધીરગઢ ગામના શખ્સને ઝડપી લઈ પૂછપરછ શરૂ કરતા પોલીસ સમક્ષ પોપટ બનેલા આરોપીએ લૂંટના આરોપીઓને પોતાના કારખાનામાં આશરો આપ્યો હોવાનું તેમજ લૂંટના દિવસે કાર રાજકોટ બેડી ચોકડીએથી પસાર થયા બાદ લૂંટારૂઓને કાર ટંકારા તરફ આવી રહી હોવાની માહિતી આપી હોવાનું સામે આવ્યું છે.ટંકારાની ખજૂરા હોટલના પ્રાંગણમાં 90 લાખની લૂંટ અને ધાડના કેસમાં પોલીસે લગધીરગઢ ગામના દિગ્વિજય અમરશીભાઇ ઢેઢીની ધરપકડ કરી છે જેમાં આરોપી દિગ્વિજયે બેડી ચોકડીએથી કાર પસાર થયા બાદ છત્તર પાસે ઉભેલા લૂંટારૂઓને કાર પાસ થઇ ગયાની માહિતી આપી હતી. આ ઉપરાંત જબલપુર ગામના પાટિયા પાસે આરોપી દિગ્વિજયના બાલાજી પ્રોડક્ટ નામના કારખાનામાં લૂંટારૂઓને રહેવા જમવા સહિતની સગવડતા આપી હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વધુમાં આરોપી દિગ્વિજય ઢેઢીએ સુરતના અલ્પેશ નામના શખ્સના કહેવાથી આરોપીઓ માટે રેકી કરી લૂંટારૂઓને કારખાનામાં આશ્રય આપ્યો હોવાનું પોલીસની પૂછતાછમાં કબુલતા લૂંટની આ ઘટનાની તપાસ સુરત સુધી લંબાઈ છે..હાલ આરોપીને રિમાન્ડ ઉપર લેવા કોર્ટમાં રજૂ કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે.