દારૂ આપી જનાર માથક ગામના નામ શખ્સનું નામ ખુલ્યું : ૮૦૨૦૦નો મુદ્દામાલ જપ્ત કારાયો હળવદ : હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાં આરોપી પોતાની વાડીએ ઘાસચારામા દારૂની બોટલો સંઘરી રિટેલમા વેપાર કરતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી દારૂની બોટલો તેમજ એક બાઈક મળી કુલ રૂપિયા ૮૦,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીને દબોચી લીધો છે.સાથે જ દારૂ આપી જનાર માથક ગામના શખ્સનુ નામ ખોલી બંને સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હળવદ પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ કેદારીયા ગામે રહેતા મહેશભાઈ ભીખાભાઈ ઝીંઝુવાડીયા ગામની સીમમાં આવેલ તેની વાડીએ ઘાસચારામાં દારૂની બોટલો સંઘરી વેચાણ કરી રહ્યો હતો જે બાતમીના આધારે હળવદ પોલીસે વાડીએ દરોડો પાડતા ઘાસચારામાંથી તેમજ એકટીવા બાઈકમાં સંઘરેલ કુલ 36 બોટલ દારૂ કિંમત રૂપિયા 40,200 અને એકટીવા બાઈક કિંમત રૂપિયા 40,000 મળી કુલ રૂપિયા ૮૦,૨૦૦ના મુદ્દા માલ સાથે આરોપી મહેશની અટકાયત કરી હળવદ પોલીસ મથકે લઈ આવી પૂછપરછ કરાતા આ દારૂનો જથ્થો શક્તિભાઈ રાજુભાઈ ગોહિલ રહે માથક વાળો આપી ગયો હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસ દ્વારા દારૂનું વેચાણ કરનાર મહેશ અને દારૂ આપી જનાર શક્તિ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.