નાસિક ઢોલ અને રાસમંડળીના આયોજન સાથે લાકડી દાવ અને પરંપરાગત રાસની રઝમટ બોલી : બાપા સીતારામ ચોકથી લઈ લગ્ન સ્થળ સુધી ભવ્ય સામૈયુ નીકળ્યું, મોટી સંખ્યામાં રબારી સમાજ જોડાયોમોરબી : મોરબીમાં મચ્છુ કાંઠા હાલાર રબારી સમાજના સંગઠન એવા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આજે લીલાપર- કેનાલ રોડ ઉપર રામકો રેસિડેન્સી પાસે આવેલ ઉમિયા નવરાત્રી ગ્રાઉન્ડમાં ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું ભવ્યાતિભવ્ય રીતે આયોજન કરાયું છે. જેમાં 42 યુગલો પ્રભુતામાં પગલાં માંડવાના છે. આ સમૂહ લગ્નમાં આજે સાંજે ભવ્ય સામૈયુ નીકળ્યું હતું. આજે સમૂહ લગ્નમાં સર્કિટ હાઉસથી લઈ બાપા સીતારામ ચોક સુધી મોટી સંખ્યામાં કાર અને બાઇકની રેલી નીકળી હતી. ત્યારબાદ બાપા સીતારામ ચોકથી સામૈયુ શરૂ થયું હતું. જેમાં 30 બગી, 30 ઘોડા, 1 ઉટ, 2 બળદગાડા અને 5 વિન્ટેજ કાર તેમજ 200 કાર અને 300 બાઇક સહિતના આકર્ષણો હતા. ખૂબ મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો જોડાયા હતા. આ સામૈયામાં નાસિક ઢોલ અને રાસમંડળીના આયોજન સાથે લાકડી દાવ અને પરંપરાગત રાસની રઝમટ બોલી હતી. સામૈયા દરમિયાન રસ્તામાં પાણી અને શરબત સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સમૂહ લગ્નમાં દીકરીઓની ભવ્ય એન્ટ્રીથી લઈ સંગીત કાર્યક્રમ જેવા અનેક આયોજનો કરવામાં આવ્યા હોવાથી દીકરીઓ અને સમગ્ર સમાજ માટે આ અવસર અદભુત બની રહેશે. આ પ્રસંગમાં 2500થી વધુ સ્વયં સેવકોની ફોજ ખડેપગે રહેશે. અહીં વિશાળ પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં 700 જેટલા સ્વયં સેવકો મદદ માટે રહેશે. સુરક્ષા વ્યવસ્થા માટે 500 જેટલા સિક્યુરિટી ગાર્ડ રહેશે. સમૂહ લગ્નમાં આવનાર દરેક લોકોના આરોગ્યની સંભાળ રાખવા માટે અહીં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત તબીબોની ટીમ સેવા આપવાની છે. આ સાથે લગ્ન દરમિયાન વ્યસન મુક્તિ, અંગદાન અને દેહદાન જાગૃતિના કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે. આજે રાત્રે 10 કલાકે સંગીત કાર્યક્રમ યોજાશે. જેમાં સુપ્રસિદ્ધ લોકગાયિકા રસ્મિતાબેન રબારી, ગાયક દેવપગલી, માલધારી મોરલો અને દાંડિયા કિંગ તરીકે જાણીતા યુનુસભાઈ શેખ, લોકગાયિકા મિતલબેન રબારી, વિશ્વાબેન રબારી અને કુલદીપ રબારી સુર રેલવાશે. તેમના સુર ઉપર મોટી સંખ્યામાં લોકો રાસ લેશે. આ કાર્યકમનું સંચાલન શૈલેષભાઇ રાવલ કરશે.