પ્રસૂતા સમયે મહિલા દર્દીએ બહારગામ નહીં જવું પડે, ઘર આંગણે મળશે સેવાહળવદ : હળવદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે દર મહિને 150 આસપાસ બહેનોને પ્રસૂતા સમયે નોર્મલ ડિલિવરી થઈ રહી છે પરંતુ સિજેરિયન ડિલિવરી માટે દર્દીને ના છૂટકે મોરબી અથવા સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવા પડતા હતા ત્યારે આ અંગે નગરપાલિકા પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખ સહિત સ્થાનિક આગેવાનોએ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને હળવદ સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની ખાલી પડેલી જગ્યાને ભરી આપવા રજૂઆત કરી હતી. ત્યારે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા આ અંગે આરોગ્ય વિભાગમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી જે અનુસંધાને સરકારી હોસ્પિટલ હળવદ ખાતે સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબ (ગાયનેક) ડો. વિરાજ વિડજા ની નિમણૂક કરાઈ છે.હળવદ સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની નિમણૂક થતા હવે પ્રસૂતા સમયે સિજેરિયન ઓપરેશનની જરૂર જણાઈ તો પ્રસૂતા સમયે મહિલા દર્દીને બહારગામ વધુ સારવાર માટે રીફર નહીં કરવા પડે અને હળવદ ખાતે જ નોર્મલ અને સિજેરિયન ડિલિવરી થઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્યના પ્રયાસથી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સહિત તમામ અધ્યયન સાધનો વસાવવામાં આવ્યા છે. જેથી દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સુવિધા મેળવે તેવી જ અથવા તેનાથી પણ ઉત્તમ સુવિધા નિઃશુલ્ક પણે મેળવી શકશે. જો કે, એક તરફ લોકો એમ પણ કહી રહ્યા છે કે, હળવદ સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર આવે તો છે પરંતુ બે-ત્રણ મહિના સેવા આપીને જતાં રહે છે જેથી જગ્યા ખાલી પડે છે. આ અંગે વર્ષમાં બે-ત્રણ વખત લોકોને રજૂઆતો કરવી પડે છે. રજૂઆત કર્યા બાદ ડોક્ટરની ખાલી જગ્યા ભરાય છે અને પાછી બે-ત્રણ મહિના થાય એટલે જગ્યા ખાલી પડે છે. આમ લોકોને થોડા-થોડા મહિને ડોક્ટરની ખાલી જગ્યા ભરવા રજૂઆતો કરવી પડે છે.