ફરાર પાંચ આરોપીઓને ઝડપી લેવા ડીવાયએસપીની આગેવાનીમાં 5 ટિમો બનાવાયમોરબી : ટંકારા નજીક ખજૂરા હોટલ પાસે થયેલ રૂ.90 લાખની લૂંટના બનાવમાં પોલીસે ગણતરીના સમયમાં જ બે આરોપીઓને પકડી લીધા હતા. આ બે આરોપીઓને 7 દિવસના રિમાન્ડ ઉપર લઈ સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.21ના રોજ નિલેષભાઈ મનસુખભાઈ ભાલોડી રહે. રાજકોટ તથા જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર રહે, રાજકોટવાળા બન્ને રાજકોટ ૧૫૦ ફુટ રોડ ઉપર આવેલ ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગડીયા પેઢીના રોકડા રૂ. 90 લાખ કારમાં લઇને રાજકોટથી મોરબી આવતા હોય તે અરસામાં સાતેક લૂંટારુંઓએ બલેનો તથા પોલો કાર વડે ફરિયાદીની કારને ટક્કર મારી મોઢે રૂમાલ બાંધી લાકડાના ધોકા, પાઇપ, છરી સાથે ઉતરી રૂ.90 લાખની લૂંટ કરી નાશી ગયા હતા. જો કે પોલીસે ત્વરિત હરકતમાં આવી અભિભાઇ લાલાભાઇ અલગોતર ઉ.વ. ૨૪ રહે.ભાવનગર અને અભીજીતભાઈ ભાવેશભાઇ ભાર્ગવ ઉ.વ.૨૫ રહે.ભાવનગર બન્ને રૂ.૭૨,૫૦,૦૦૦/-ની રોકડ સાથે પકડી લીધા હતા. આ બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જેથી હવે પોલીસ દ્વારા આ આરોપીઓ ક્યાં રોકાયા હતા ? ક્યારે પ્લાન બનાવ્યો હતો ? કોણે ટીપ આપી હતી? તે સહિતના પ્રશ્નો ઉપરથી પડદો ઉચકવા સઘન પૂછપરછ હાથ ધરશે. વધુમાં ફરાર અન્ય આરોપી હીતેષભાઇ પાંચાભાઇ ચાવડા રહે. સાજણાસર તા.પાલીતાણા જી.ભાવનગર, નિકુલભાઈ કાનાભાઇ અલગોતર, દર્શીલ ભરવાડ, કાનો આહીર રહે. બધા ભાવનગર અને એક અજાણ્યા શખ્સને પકડી લેવા ડીવાયએસપી સમીર સારડાની અધ્યક્ષતામાં પોલીસની 5 ટિમો બનાવવામાં આવી છે. તેવું જાણવા મળ્યું છે.