વ્યાજ અને મુદલ સાથે રકમ ચુકવી દેવા છતાં જાનથી મારી નાખવાની ધમકી મોરબી : મોરબી શહેરમાં વ્યાજખોરો વિરુદ્ધ અવાર નવાર ફરિયાદો નોંધાઇ રહી હોવા છતાં પણ વ્યાજખોરો સુધરતા ન હોવાની પ્રતીતિ કરાવતા કિસ્સામાં મોરબીમાં મિસ્ત્રીકામ કરતા યુવાને ઉંચા વ્યાજે નાણાં લઈ વ્યાજ અને મુદલ ચૂકવી દેવા છતાં પાંચ વ્યાજખોરોએ ચેક અને બાઈક પડાવી લઇ જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના રવાપર રોડ ઉપર અક્ષર એપાર્ટમેન્ટમાં રહેતા અને મિસ્ત્રિકામ કરતા જગદીશભાઈ કીર્તિભાઈ ગજ્જર ઉ.39 નામના યુવાને આર્થિક જરૂરત ઉભી થતા આરોપી રાજુ ડાંગર રહે.રાજબેન્ક વાળી શેરી, મોરબી, ભાવેશ છબીલભાઈ વાઘડિયા રહે.મોરબી, પારસ ઉર્ફે ભોલુ મુકેશભાઈ જારીયા રહે.રવાપર રોડ, મોરબી, કિશન મનુભાઇ લાંબા અને ભરત કાનાભાઈ ચાવડા રહે.રવાપર, મોરબી વાળા પાસેથી અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણાં લઈ બાદમાં વ્યાજ અને મુદલ સાથે પરત આપી દીધા હતા.જો કે,વ્યાજખોરોને વ્યાજ અને મુદલ સાથે નાણાં ચૂકવી દેવા છતાં આરોપીઓએ બળજબરી પૂર્વક ચેક પડાવી લઈ તેમજ કિશન મનુભાઈ ચાવડાએ બાઈક પડાવી લઈ તમામ આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા જગદીશભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.