કોઈ જાણભેદુએ જ આંગડિયા પેઢીના માલિકની માહિતી લીક કરી હોવાની આશંકા : ફરાર 4થી 5 આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન : પકડાયેલા બન્ને આરોપી ભાવનગર પંથકના : SPએ ટંકારા નજીક થયેલી લૂંટની વિગતો જાહેર કરીhttps://youtu.be/wy1qLfU_AAQમોરબી : ટંકારા નજીક ખજૂરા હોટેલ પાસે રાજકોટના આંગડિયા પેઢીના માલિકની કારનો પીછો કરી કારને ટક્કર મારી રૂ.90 લાખની લૂંટ ચલાવી હતી. જેમાંથી પોલીસે બે આરોપીઓને રૂ.72 લાખની રકમ સાથે પકડી લીધા છે. જ્યારે ફરાર ચારથી પાંચ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું જિલ્લા પોલીસ વડાએ જાહેર કર્યું છે. જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ બનાવ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટમાં ટીટેનિયમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢી ચલાવતા ફરિયાદી નિલેશભાઈ મનસુખભાઇ ભાલોડી ગઈકાલે રૂ.90 લાખની રોકડ રકમ લઈ મહિન્દ્રા એસયુવી કારમાં મોરબી તરફ આવતા હતા. ત્યારે તેમનો લાંબા સમયથી પીછો કરીને આવતી બે કારે ખજૂરા હોટલ પાસે જોરદાર ટક્કર મારી હતી અને આ રકમ લૂંટી તેઓ ફરાર થઇ ગયા હતા. ફરિયાદીએ તેમના જાણીતા રાજકોટના સિનિયર પોલીસ અધિકારીને તુરંત જાણ કરી હતી. જેઓએ ડીવાયએસપી ઝાલાને જાણ કરતા તેઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી હતી. આ સાથે આરોપીઓને અટકાવવા પોલીસે એક રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. બે આરોપી અભિ લાલાભાઈ અલગોતર ઉ.વ. 25 અભિજીત ભાવેશભાઈ ભાર્ગવ ઉ.વ. 25ને રૂ.72 લાખની રોકડ સાથે લતીપર રોડ ઉપરથી પકડી લેવામાં પોલીસને સફળતા મળી છે. આ બધા આરોપીઓ ભાવનગર પંથકના છે. જેમાં એક આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પકડવાના બાકી આરોપીઓ હીતેષભાઇ પાંચાભાઇ ચાવડા રહે. સાજણાસર તા.પાલીતાણા, નિકુલભાઈ કાનાભાઇ અલગોતર, દર્શીલ ભરવાડ અને કાનો આહીર રહે. બધા ભાવનગર તેમજ એક અજાણ્યા વ્યક્તિની શોધખોળ ચાલુ છે. કોઈ જાણભેદુએ જ આંગડિયા પેઢીના માલિકની માહિતી લીક કરી હોવાની આશંકાના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે રૂ. 72 લાખની રોકડ રિકવર કરવામાં આવી છે. બે કાર અને ડોક્યુમેન્ટ સહિતની વસ્તુઓ કબ્જે કરવામાં આવી છે. આ રકમ ફરિયાદી ક્યાંથી લાવ્યા અને ક્યાં આપવાના હતા તે અંગે પણ તપાસ કરાશે. અંતમાં એસપીએ કહ્યું કે અગાઉ નાકાબંધીની મોકડ્રિલ કરી હતી જેના આધારે ગણતરીના સમયમાં જ બન્ને ડીવાયએસપી, એસઓજી, એલસીબી, ટંકારા પોલીસ, વાંકાનેર પોલીસ સહિતની ટીમોએ એક્ટિવ થઈ નાકાબંધી કરી હતી.