લૂંટ ધાડનો ભોગ બનેલ વેપારી નિલેશ ભાલોડી ગત વર્ષે 2.14 કરોડ રોકડા સાથે પોલીસે ઝડપી લીધો હોવાનું સામે આવ્યુંટંકારા : ગઈકાલે સાંજે રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારાની ખજૂરા હોટલના પ્રાંગણમાં રાજકોટના કહેવાતા આંગડિયા પેઢીના સંચાલકની કારનો પીછો કરતા આવેલા અજાણ્યા પાંચથી સાત શખ્સોએ રૂપિયા 90 લાખની લૂંટ ધાડ કરતા બનાવ અંગે ગત મોડીરાત્રે ગુન્હો નોંધાવમાં આવ્યો છે.મહત્વનું છે કે, લૂંટ ધાડનો ભોગ બનેલ વેપારી અગાઉ 2.14 કરોડ રોકડા સાથે પોલીસના હાથે ઝડપાઇ ગયા હોવાનું પણ સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજના સમયે રાજકોટના અંબિકા ટાઉનશીપના રહેતા મૂળ ગોંડલના અનિડા ભાલોડી ગામના વતની નિલેશ મનસુખભાઇ ભાલોડી ઉ.45 નામના આંગડિયા પેઢીના સંચાલક રાજકોટથી કારના 90 લાખ રોકડા લઈ મોરબી તરફ જતા હતા ત્યારે ટંકારા નજીક નંબર પ્લેટ વગરની વાઈટ કલરની પોલો અને બલેનો કારમાં આવેલા અજાણ્યા પાંચથી સાત શખ્સોએ નિલેશ ભાલોડીની કારનો પીછો કરી કારને ટક્કર મારતા નિલેશ ભાલોડીના કારના ડ્રાઇવરે બચવા માટે કારને હોટલ ખજૂરાના પ્રાંગણમાં લઈ લીધી હતી.બીજી તરફ કારમાં રોકડ રકમ હોવાનું જાણતા લૂંટારુઓએ ખજૂરા હોટલના પ્રાંગણમાં ધસી આવી કારના દરવાજા ખોલી રોકડ ભરેલા બે થેલા લઈ લૂંટ ધાડને અંજામ આપી નાસી જતા બનાવ અંગે નિલેશ ભાલોડીએ ટંકારા પોલીસ મથકમાં 90 લાખની લૂંટ ધાડ અંગે ફરિયાદ નોંધાવી હતી.ઉલ્લેખનીય છે કે, લૂંટ ધાડનો ભોગ બનનાર નિલેશ ભાલોડી ગત જૂન 2024મા રાજકોટની બેડી ચોકડી નજીકથી 2.14 કરોડની રોકડ સાથે અન્ય એક શખ્સ સાથે ઝડપાઇ ગયો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. સાથે જ નિલેશ ભાલોડી જીએસટીના કામ કાજ સાથે પણ સંકળાયેલ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.