ભારે પવનના કારણે વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાઈ રાજકોટ : રાજકોટ શહેરમાં આજે સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. શહેરના અનેક વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. 150 ફૂટ રીંગ રોડ પર અનેક સ્થળે પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.સાંજના સમયે તોફાની પવન સાથે શરૂ થયેલા વરસાદના કારણે રાજકોટ શહેરમાં કેટલીક જગ્યાએ વૃક્ષો પડવાની પણ ઘટના સામે આવી હતી. જેમાં રાજકુમાર કોલેજ પાસે વિશાળકાય ઝાડ રસ્તા પર ધરાશાઈ થઈ ગયું હતું. જેના કારણે થોડી વાર માટે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત અન્ય કેટલીક જગ્યાએ પણ વૃક્ષ પડવાના વાવડ મળ્યા હતા. ભારે પવન ફૂંકાતા રેસકોર્સ રીંગ રોડ પર એક મોટું હોર્ડિંગ્સ પણ ધરાશાઈ થઈ ગયું હતું, સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે વરસાદના કારણે ભારે બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.