વર્ષ 2021ના હત્યા કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : 5 આરોપીને નિર્દોષ જાહેર કરાયા મોરબી : મોરબીના પ્રેમજીનગર ગામે વર્ષ 2021માં થયેલ હત્યાના કેસમાં કોર્ટે એક આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા ફટકારી છે. જ્યારે અન્ય 5 આરોપીને નિર્દોષ જાહેર કરી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેસની વિગત એવી છે કે તા. ૧૮/૧૧/૨૦૨૧ ના રાત્રીના સમયે આરોપી સુરેશ ચુનીલાલ વઘેરા ફરીયાદીના દીકરા ગુલાબભાઈની દુકાને માવા લેવા જતા આરોપી સુરેશ અગાઉ માવા લઈ ગયેલ તેના બાકી રાખેલ પૈસા ગુલાબભાઈએ માંગતા આરોપી સુરેશએ ગુલાબભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપેલ હોય જેથી સાહેદ જયેશભાઈ તથા સુનીલભાઈ તથા ગુલાબભાઈ તેઓના ઘરે સમજાવવા જતા તમામ આરોપીઓએ એકસંપ કરી તલવાર, ધોકા તથા લોખંડના પાઈપ જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો. આરોપી ચુનીલાલે ગુલાબભાઈને તલવારનો ઘા માથામાં મારી તથા જયેશભાઈને તલવારથી તથા સુનીલ પરમારને પણ માર માર્યો હતો. આ બનાવમાં ગુલાબભાઈનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે ફરિયાદને આધારે મોહનભાઈ રવજીભાઈ વઘેરા ઉ.વ. ૫૫, હસમુખભાઈ ઉર્ફે હસુ મોહનભાઈ વઘેરા ઉ.વ. ૨૪, કાંતાબેન ચુનીલાલ વઘેરા ઉ.વ. ૪૦, ચુનીલાલ કમાભાઈ વઘેરા ઉ.વ. ૪૫, રાકેશભાઈ ચુનીલાલ વઘેરા ઉ.વ. રર અને સુરેશ ચુનીલાલ વઘેરા ઉ.વ. ર૦ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબીના અધિક સેશન્સ જજ સાહેબની ફાસ્ટ ટ્રેક સ્પેશીયલ કોર્ટ સમક્ષ આ કેસ ચાલી જતા તમામ પુરાવાને ધ્યાને લઇ કોર્ટે 5 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. જ્યારે ચુનીલાલ કમાભાઈ વઘેરાને ૨૦ વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ કર્યો છે.વધુમાં આરોપી ચુનીલાલ કમાભાઈ વઘેરાએ ભરેલ દંડની રકમમાંથી ઈજા પામનાર સાહેદ જયેશભાઈને રૂ. રપ,૦૦૦/- અને મરણ જનાર ગુલાબભાઈ વેલજીભાઈ શેખવાના વારસદારોને રૂ. ૭૫,૦૦૦/- એમ કુલ રૂ. ૧,૦૦,૦૦૦/- વળતર તરીકે અપીલ સમય બાદ ચુકવી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ એસ. સી. દવે રોકાયેલ હતા.