પોલીસે લતીપર રોડ ઉપર મોટાવાહનો ખડકી દઈ ટ્રાફિક જામ કરાવ્યો, અને બે ખાનગી સ્કોર્પિયો લઈ આરોપીઓની કારને પકડવાની કોશિશ કરી, સદનસીબે યુ ટર્ન લેવા જતા આરોપીની કાર બંધ પડી ગઈ અને આરોપીઓ દબોચાઈ ગયામોરબી : ટંકારા નજીક ખજૂરા હોટલ પાસે ગત સાંજે થયેલ રૂ.90 લાખની લૂંટના બનાવમાં ત્વરિત નાકાબંધી કરગત નીવડી હતી. જેના થકી જ બે આરોપીઓને ધ્રોલ તરફથી ટંકારા તરફ પાછું ફરવું પડ્યું હતું. બીજી તરફ પોલીસે હેવી વાહનો રોડ વચ્ચે ખડકી ટ્રાફિક જામ કરી દીધો હતો અને બે ખાનગી સ્કોર્પિયો લઈ આરોપીઓની કારને પકડવાની કોશિશ કરી હતી. સદનસીબે યુ ટર્ન લેવા જતા આરોપીની કાર બંધ પડી જતા આરોપીઓ દબોચાઈ ગયા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર ગઇ કાલ તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ નિલેષભાઈ મનસુખભાઈ ભાલોડી રહે. રાજકોટ તથા જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર રહે, રાજકોટ વાળા બન્ને રાજકોટ ૧૫૦ ફુટ રોડ ઉપર આવેલ ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગડીયા પેઢીના રોકડા રૂ. 90 લાખ XUV-300 નં-GJ-03-NK-3502 વાળી કારમાં લઇને રાજકોટ થી મોરબી આવતા હોય તે અરસામાં મિતાણા ગામ ચામુંડા હોટેલ નજીક પહોંચેલ ત્યારે રસ્તામાં પાછળથી સફેદ કલરની પોલો કારે ઠોકર મારતા કાર ઉભી રાખતા પાછળ બીજી બલેનો કાર આવેલ જે બન્ને કારમાંથી પાંચથી સાત માણસો છરી, લાકડાના ધોકા, પાઇપ લઈ ઉતર્યા હતા. તેઓ કાર ચલાવી ખજુરા હોટલ નજીક પહોંચતા ફરી કારને ઠોકર મારતા ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં કારનું ટાયર ફાટી જતા કાર ઉભી રહી ગઈ હતી. બલેનો તથા પોલો કારમાંથી પાંચથી સાતેક માણસો મોઢે રૂમાલ બાંધી લાકડાના ધોકા, પાઇપ, છરી લઈ ઉતરી લુંટ કરી નાશી ગયા હતા. બનાવની ગંભીરતા ધ્યાને લઇ મોરબી જિલ્લામાં તાત્કાલીક નાકાબંધી કરી અલગ અલગ પોલીસની ટીમો બનાવી તપાસ શરૂ કરાઇ હતી. સીસીટીવી ફુટેજ આધારે ગુનામાં વપરાયેલ કાર ધ્રોલ, જોડીયા તરફ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ વિસ્તારમાં લોકલ માણસોનો સંપર્ક કરતા કાર નાકાબંધીને કારણે ધ્રોલ, લતીપર થઇ ટંકારા તરફ પરત આવતી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ ટીમે લતીપર રોડ, આરાધના હોટલ સામે રોડ ઉપર વોચ ગોઠવી દીધી હતી. આ દરમ્યાનમાં મોટા વાહનો વડે ટ્રાફીક જામ કરી દેવામાં આવ્યો હતો. આ વેળાએ સામેથી પોલો કાર પુર ઝડપે આવી રહી હતી. જેથી તમામ પોલીસ સ્ટાફે એલર્ટ થઈ બે ખાનગી વાહન સ્કોર્પીયો લઈ કારનો પીછો કરવાની તૈયારી કરી હતી. જો કે આરોપીઓએ કારનો યુટર્ન લેવા જતા કાર બંધ થઈ ગઈ હતી. જેથી અભિભાઇ લાલાભાઇ અલગોતર ઉ.વ. ૨૪ રહે.ભાવનગર અને અભીજીતભાઈ ભાવેશભાઇ ભાર્ગવ ઉ.વ.૨૫ રહે.ભાવનગર બન્ને રૂ.૭૨,૫૦,૦૦૦/-ની રોકડઝ મોબાઇલ નંગ-૦૫, પોલો કાર નંબર-GJ-01-RE-7578, ડોક્યુમેન્ટની બેગ તથા અન્ય મુદામાલ સાથે પકડાઈ ગયા હતા. બન્નેની પ્રાથમિક પૂછપરછમાં અન્ય આરોપી તરીકે હીતેષભાઇ પાંચાભાઇ ચાવડા રહે. સાજણાસર તા.પાલીતાણા જી.ભાવનગર, નિકુલભાઈ કાનાભાઇ અલગોતર, દર્શીલ ભરવાડ, કાનો આહીર રહે. બધા ભાવનગર અને એક અજાણ્યા માણસનું નામ ખુલ્યું છે. વધુમાં આરોપીની કારમાંથી લાકડાનો ધોકો, મરચાની ભુકી પણ મળી આવી હતી. આ કામગીરીમાં ડીવાયએસપી સમીર સારડા અને પી.એ.ઝાલા, એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, ટંકારા પીઆઇ કે.એમ.છાસીયા તેમજ સ્ટાફ રોકાયેલ હતો.