આ વિસ્તાર પીપળી અને ટીંબડી ગ્રામ પંચાયતની બાઉન્ડ્રીમાં આવતો હોવાથી સર્જાયો વિવાદ : પાયાની સવલતો આપવાની માંગ સાથે સ્થાનિકોએ કલેકટરને કરી રજુઆતમોરબી : વર્ષ 2012માં અક્ષય કુમારનું જોકર મુવી આવ્યું હતું. જેમાં તેનું ગામ પગલાપુર ક્યાં રાજ્યમાં આવે છે તેનું નક્કી ન હતું. બધા રાજ્યો એકબીજા ઉપર ફેંકાફેકી કરતા હતા. આવી જ સ્ટોરી મોરબી તાલુકાના એક વિસ્તારની છે. જેમાં આ વિસ્તાર શેમાં આવે છે તેને લઈને બે ગ્રામ પંચાયતો એક બીજા ઉપર ખો આપી રહી હોવાનું ત્યાંના રહીશો જણાવી રહ્યા છે. આ મામલે રહીશોએ આજે જિલ્લા કલેકટરને રજુઆત પણ કરી છે. મોરબી તાલુકાના નવી ટીંબડી ગામના રમેશભાઈ મગનભાઈ પરમારે જણાવ્યું કે અમે નવી ટીંબડીમાં છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી રહીએ છીએ. અહીં આવાસ યોજના અને હરાજીથી ખરીદેલા પ્લોટમાં લોકો રહે છે. આ વિસ્તારમાં કોઈ લાઇટ, પાણી કે રોડ જેવી કોઈ પ્રાથમિક સુવિધા મળી નથી. બાળકો માટે બાલમંદિરની પણ વ્યવસ્થા નથી. પીપળી પંચાયતનું કહેવાનું એમ છે કે તમે ટીંબડી પંચાયતમાં આવો છો. જ્યારે ટીંબડી પંચાયત દ્વારા એમ કહેવામાં આવે છે કે તમે પીપળી પંચાયતમાં આવો છો. તેઓએ કલેકટરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે ટીંબડી ગામના સર્વે નં.૯૪/૨ માં નાયબ કલેક્ટરના હુકમથી તા.૧૬-૬-૮૬ ના રોજ ગામતળ નિમ થયેલ હતું. તેના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારીએ લે-આઉટ પ્લાન મંજુર કરી આવાસ યોજનાના આશરે ૪૦ થી ૪૨ પ્લોટ ફાળવવ્યા હતાં. ત્યાં ૩૦ થી ૩૫ વર્ષો થી ત્યાં અમે અમારા કુટુંબ સાથે રહીએ છીએ. તથા અમુક હરરાજીથી લીધેધા પ્લોટવાળા પણ ત્યાં મકાન બનાવીને રહે છે. અને પંચાયત ટીબડીમાં નિયમીત વેરાઓ પણ ભરે છે. ૨૦૧૯ પછી મહેસુલ કરવેરાઓ લેવામાં આવતા નથી. અમારી માંગ છે કે પીપળી ગામના સ.નં.૩૦૪/૧ તથા ટીબડી સ.નં.૯૪/૨ બંને સરકારી ખરાબાની જમીન હોય, બંને સર્વે નંબરની માલીકી-સરકારની હોય, બંને સર્વે નંબર એક બીજાની બાઉન્ડ્રી બાજુમાં હોય, લગોલગ હોય, ખુદ સરકારને પણ બાઉન્ડ્રી ધ્યાને ન હોય નવા પ્લોટોને પીપળી સર્વે નાં.૩૦૪/૧ માં ફાળવવામાં આવેલ છે. જેથી થયેલા હુકમોમાં તેનો સુધારો કરવાનો થતો હોય, આ સરકારી તંત્રની ભુલ સુધારવામાં આવે. વહેલી તકે આ પ્રક્રિયા કરી સ્થાનિકોને પાયાની સુવિધા આપવામાં આવે તેવી માંગ છે.