મનપામાં અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રને પેટમાં પાણી ન હલતું હોય એમ ઢીલી નીતિમોરબી : મોરબીમાં અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરવાની સમસ્યા જાણે સામાન્ય બની ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે ફરી એક વખત શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ આંબેડકર કોલોનીમાં ઘણા સમયથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યા સામે આવી છે.મોરબીના વીસીપરાની આંબેડકર કોલોનીમાં છેલ્લા 10 દિવસથી ગટરના પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. ગટરના પાણી ઉભરવાની કારણે આ વિસ્તારમાં ખૂબ દુર્ગંધ પણ વધી છે તેમજ ગંદકી વધવાથી લોકોમાં બીમારી ફેલાવાની પણ ભીતિ જોવા મળી રહી છે. તેમજ રસ્તામાં વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે મહાનગરપાલિકામાં અનેક વખત રજુઆત કરવા છતાં પણ જેમ તેમ સાફ સફાઈ કરીને જતા રહે છે. ત્યારે એક તરફ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા અનેક ઝુંબેશો હાથ ધરવામાં આવે છે તો બીજી તરફ અવાર નવાર અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરવાની સમસ્યા તંત્રની ઢીલી કામગીરીની પોલ છતી કરે છે.