મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા ખુલ્લામાં એકી કરતા વધુ છ લોકો સામે દંડનીય કાર્યવાહી કરી છે. આ સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા તેમજ ગંદકી કરતા આસામીઓને પણ દંડ ફટકાર્યો છે.મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરી વિસ્તારમાં તા. ૧૨/૦૫/૨૦૨૫ થી ૨૦/૦૫/૨૦૨૫ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ ૫૯ આસામી પાસેથી રૂ. ૩૫૩૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ગંદકી કરતા ૪૪ આસામી પાસેથી રૂ. ૮૩૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવતા ૯ આસામી પાસેથી રૂ. ૨૪૦૦/-, તેમજ ખુલ્લામાં યુરીનેશન કરતાં ૬ આસામી પાસેથી રૂ. ૪૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને શહેરમાં ગંદકી ન ફેલાવવા અનુરોધ કરવામાં આવે છે. તેમ ડેપ્યુટી કમિશનરની યાદીમાં જણાવાયું છે.