ધ્રોલ હાઇવે ઉપરથી લુટારુને આંતરી લેવાયો, લુટારુઓની એક કાર અકસ્માતગ્રસ્ત હાલતમાં રેઢી મળીમોરબી : રાજકોટ -મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક સાંજના પાંચેક વાગ્યાના અરસામાં રાજકોટના કમિશન એજન્ટની કારને આંતરી રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવ્યા બાદ પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી ટંકારા-ધ્રોલ હાઇવે ઉપરથી એક લુટારુને ઝડપી લેવામાં સફળતા મેળવી હોવાનું સામે આવ્યું છે. જો કે આ બનાવ અંગે પોલીસ હજુ સત્તાવાર રીતે કશું જ જાહેર કર્યું નથી. જ્યારે લૂંટની રકમ એક કરોડ આસપાસ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ-મોરબી હાઇવે ઉપર ખજૂરા હોટલ પાસે રાજકોટના કમિશન એજન્ટની કારને આંતરી બે કારમાં આવેલા શખ્સોએ લાખો રૂપિયાની લૂંટ ચલાવી અન્ય કાર લઈ નાસી ગયા હતા. સાંજના પાંચેક વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનામાં પોલીસને જાણ કરવામાં આવતા નાકાબંધી કરવામાં આવી હતી અને ટંકારા -ધ્રોલ હાઇવે ઉપર પોલીસે એક લુટારુને ઝડપી લેવામાં સફળતા મેળવી હોવાનું પણ હાલમાં સામે આવ્યું છે. લુટારુઓ પોલો અને બલેનો કારમાં આવ્યા હતા અને વેપારીની મહિન્દ્રા એસયુવી 300 કારને આંતરી લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે.વધુમાં લુટારુઓની એક બલેનો કાર મોરબી -રાજકોટ હાઇવે ઉપર અકસ્માતગ્રસ્ત રેઢી હાલતમાં મળી આવી હતી, સાથે જ અન્ય કારમાં નાસી ગયેલા લૂંટારુઓ પૈકી એક લુટારુને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે, ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ લૂંટમાં ગયેલી રકમ એક કરોડ આસપાસ હોવાનું સામે આવ્યું છે.બનાવની જાણ થતા ડીવાયએસપી બનાવ સ્થળે દોડી આવ્યા હતા. જો કે હજુ સમગ્ર બનાવ અંગે પોલીસે દ્વારા કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. હાલ પોલીસના ધમધમાટની સાથે બનાવની ફરીયાદ નોંધાવાની તજવીજ ચાલી રહીં છે.