પાંચેક જેટલા મકાનોને 5 દિવસનો સમય અપાયો : સાર્વજનિક જગ્યા ખુલ્લી કરાવી ડેવલપ કરાશેમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આજે હાઉસિંગ બોર્ડમાં ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અંદાજે 50 જેટલા છાપરા તોડી પાડવામાં આવ્યા છે. આ સાથે પાંચેક જેટલા મકાનોને 5 દિવસ જેટલો સમય આપવામાં આવ્યો છે.મોરબી મહાનગરપાલિકાની ટિમ દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે બુધવારે શનાળા રોડ પરના હાઉસીંગ બોર્ડમાં ગેરકાયદેસર દબાણો ઉપર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. અહીં મહાપાલિકાના બે જેસીબી દ્વારા સાર્વજનિક જગ્યામાં ખડકાયેલા 50 જેટલા છાપરા સહિતના દબાણોનો કડુસલો બોલાવવામાં આવ્યો છે. વધુમાં અહીં પાંચેક મકાનોમાં લોકો રહેતા હોય તેઓને આ દબાણ હટાવવા પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે.આ અંગે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે આ સાર્વજનિક જગ્યામાં ખડકાયેલા દબાણો હટાવીને અંદાજે 2000 સ્કે. મીટર જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. આ જગ્યા ઉપર સાર્વજનિક સુવિધા વિકસાવવા મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.