અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ મયુરનગરીના રેલવે સ્ટેશનના રંગરૂપ બદલાયા : પ્લેટફોર્મ ઉપર આધુનિક ડિસ્પ્લે સાથે કવર્ડ એરિયા, બગીચો, નવા વેઇટિંગરૂમ સહિતની સુવિધામોરબી : અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ મયુરનગરી મોરબીના રેલવે સ્ટેશનનો ઐતિહાસિક વારસો જળવાઈ રહે તેની કાળજી સાથે રૂપિયા 9.98 કરોડના ખર્ચે મોટાભાગનું પુનર્વિકાસ કાર્ય પૂર્ણ કરી લેવાયું છે. રજવાડી ડિઝાઇન સાથેની ટાઇલ્સ, કવર્ડ પ્લેટફોર્મ એરિયા, આધુનિક વેઇટિંગ લોન્જ, બાગબગીચા સાથેનો પાર્કિંગ એરિયા અને રંગરોગાન કરવામાં આવતા મોરબીનુ રેલવે સ્ટેશન દીપી ઉઠ્યું છે. આગામી 22 મે ના રોજ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મોરબીના પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનો વર્ચ્યુલ લોકાર્પણ કરાશે જેના માટે રેલવે સ્ટેશનની સાફ સફાઈ સહિતની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે22 જાન્યુઆરી 1935 ના રોજ નિર્માણ પામેલા મોરબીના રેલવે સ્ટેશનને હેરિટેજ રેલવે સ્ટેશન તરીકે વિકસાવવા માટે વર્ષ 2024માં દેશના વડાપ્રધાન દ્વારા પસંદ કરવામાં આવેલા દેશના 15 સ્ટેશનો પૈકી મોરબી શહેરના રજવાડી સ્ટેશનનો સમાવેશ કરી શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.સીરામીક નગરી મોરબીના રેલવે સ્ટેશનનો વિકાસ કરવા માટે હેરિટેજ ટચ સાથે આધુનિક સુવિધાઓ વિકસાવવા નક્કી કરી 9.98 કરોડના ખર્ચે વિકાસ શરૂ કરાયો હતો. જેમાં નોંધપાત્ર પ્રગતિ સાથે હાલમાં પ્લેટફોર્મ સરફેસિંગ, છતનું સમારકામ, ઇમારતનું રંગકામ અને વાહનો માટે પાર્કિંગ સુવિધાઓનો વિકાસ પૂર્ણ કરવામાં આવ્યો છે.મોરબી રેલ્વે સ્ટેશનને હેરિટેજ મોડેલ રેલવે સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે જેમાં ઐતિહાસિક વારસાને જાળવી રાખવાની સાથે આધુનિક કાર્યક્ષમતાનો સંગમ કરી રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ ઉપર અપગ્રેડેડ સાઇનેજ બોર્ડ, કોચ સંકેત પ્રણાલીઓ અને આધુનિક ફર્નિચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનના વિકાસ બાદ મુસાફરોની સુવિધામાં વધારો થયો છે. અહીં કોનકોર્સ અને વેઇટિંગ એરિયામાં હેરિટેજ ટાઇલ્સનો ઉપયોગ કરી રેલવે સ્ટેશનને એક અલગ સાંસ્કૃતિક ટચ આપવામાં આવી છે. સાથે જ વિશાળ પાર્કિંગ સુવિધાઓ અને પહોળા રસ્તાઓ વધતી જતી ટ્રાફિક સમસ્યાનો અંત લાવશે.આ વિકાસ થકી રેલવે તંત્ર દ્વારા શહેરના સમૃદ્ધ ભૂતકાળને તેના ઉજ્જવળ ભવિષ્ય સાથે જોડી મોરબી રેલ્વે સ્ટેશન ફક્ત ટ્રાન્ઝિટ હબ તરીકે જ નહીં પરંતુ શહેરના સમૃદ્ધ વારસાના પ્રતિબિંબ કરવા પ્રયાસ કર્યો છે. મોરબી રેલ્વે સ્ટેશન ખાતે પૂર્ણ થયેલ કામગીરી૧. પ્લેટફોર્મ સરફેસિંગ૨. કવર શેડ ઇન્સ્ટોલેશન૩. બગીચો અને લેન્ડસ્કેપિંગ૪. પાર્કિંગ સુવિધાઓ૫. ઇમારતનું સમારકામ૬. વિશાળ વેઇટિંગ હોલ૭. આધુનિક શૌચાલય૮. આકર્ષક એલિવેશન માટે પૉર્ચ લંબાવાયુ૯. હેરિટેજ દેખાવ અપાયું૧૦. આવાગમન માટે અલગ અલગ એન્ટ્રી-એક્ઝિટ૧૧. દિવ્યાંગજન માટે વિશેષ સુવિધાઓ