ટંકારા : મે મહિનામાં કમોસમી વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન થયું છે ત્યારે આવતીકાલે 21 મેથી કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે તેવી આગાહી ટંકારાના નાના ખીજડીયાના હવામાન નિષ્ણાત રમેશભાઈ બસીયાએ કરી છે. આ દરમિયાન વાવાઝોડું આવવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન નિષ્ણાત રમેશભાઈ બસીયાના જણાવ્યા પ્રમાણે, નૈઋત્ય ચોમાસુ હાલ સાઉથ અરબી સમુદ્રના કેટલાક ભાગો માલદિવ કોમોરીનના કેટલાક વિસ્તારમાં પ્રવેશ કર્યો છે આ અઠવાડિયે 26 મે આસપાસ કેરળમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થશે જેની પ્રબળ શક્યતા છે. આવતી કાલે 21મે ને બુધવારે અરબી સમુદ્રમાં કર્ણાટક આસપાસ એક અપર એર સર્કયુલેશન (UAC) બનશે જે 22 તારીખે મજબૂત બની લોપ્રેસરમાં ફેરવાશે. ત્યાર બાદ તે ઉત્તર તરફ ગતિ કરી વધુ મજબૂત બનશે. સિસ્ટમ જો અને તો વચ્ચે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે તો આની સીધી અસર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં આવતીકાલથી એક અઠવાડિયા એટલે કે 27 મે સુધી વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વધુ વરસાદ પડશે.તદુપરાંત ધણા ખરા વેધર મોડલ આ સિસ્ટમ વાવાઝોડું બને તેવું દર્શાવી રહ્યા છે. જોકે હજુ સુધી વાવાઝોડું બનવાની સંભાવના પણ ઉભી થઈ ન હોય સિસ્ટમ વાવાઝોડું બની ગુજરાતને અસર કરશે કે નહીં એ અંગે વિસ્તૃત અપડેટ સાથે જણાવવામાં આવશે. હાલના અંદાજ મુજબ આ સિસ્ટમ સીધી ગુજરાત ઉપર આવે તેવું જણાતું નથી.