દીકરીઓને 101થી વધુ વસ્તુઓ સાથેનો કરિયાવર અપાયો : મોટી સંખ્યામાં લોકોએ સમૂહલગ્નમાં આપી હાજરીમોરબી : મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી માઁ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે નવલખી રોડ ઉપર આવેલ બહુચર પાર્ટી પ્લોટમાં આઠમાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 21 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ વેળાએ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. આ અંગે વિગતો આપતા દિનેશભાઇ વડસોલાએ જણાવ્યું કે શ્રી ધક્કાવાળી મેલડી માઁ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં દરરોજ ગાય માતાને 50 મણ લીલું ઘાસ આપવું, પક્ષીઓને 10 મણ ચણ નાખવું, રવિવારે અને મંગળવારે લાપસી અને ગાંઠિયાનો પ્રસાદ આપવો, બાળકોને ચોપડા વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આજે આઠમા સર્વજ્ઞતીય સમૂહ લગ્નનું આયોજન બહુચર પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં 21 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આ દીકરીઓને 101થી વધુ વસ્તુઓ કરિયાવર સ્વરૂપે આપવામાં આવી છે.