મોરબી : કપાસમાં ચુસીયા પ્રકારની જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન માટે જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે મુજબ, ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી જમીનની તિરાડ કે ફાટમાં ભરાઈ રહેલા મીલી બગનો નાશ થાય. બીજને ઇમિડાકલોપ્રીડ 70 ડબલ્યુ.એસ. 7.5 મિલી પ્રતિ કિલો બીજ અથવા થાયોમીથોક્ઝામ 70 ડબલ્યુ.એસ. 2.8 મિલી પ્રતિ કિલો બીજ પ્રમાણે માવજત આપી વાવણી કરવી જેથી પાકની શરૂઆતની અવસ્થામાં ચુસિયા પ્રકારની જીવાતોથી રક્ષણ મેળવી શકાય. શેઢાપાળા ઉપર ઉગતા નિંદણો ખાસ કરીને ગાડર, જંગલી ભીંડા વગેરે પ્રકારના નિંદામણોનો છોડ ઉખાડીને નાશ કરવો. મોલોમશી તથા તડતડિયાના જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટી (ક્રાઈસોપા)ના ઈંડા અથવા ઈયળને હેક્ટરે 10 હજારની સંખ્યામાં બે વખત છોડવી. ચૂસીયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે કપાસના પાકની ફરતે બે હાર મકાઈની અથવા મકાઈના 10 % છોડ અથવા કપાસની 10 હાર પછી એક હાર મકાઈની લેવી.કપાસમાં પાન અને ઝીંડવાને નુકસાન અને બીટી કપાસમાં ગુલાબી ઈયળના સંકલિત વ્યવસ્થાપન માટે અગાઉ પાક પૂરો થઈ ગયા બાદ કપાસના ખેતરમાં ખરી પડેલા ફૂલ, કડી અને જીંડવા ભેગા કરી નાશ કરવો. શક્ય હોય તો પાકની ફેરબદલી અને દર બે વર્ષે ઊંડી ખેડ કરવી. વહેલી પાકતી, ચૂસિયા પ્રતિકારક, માન્ય બીટીશંકર જાતોના બિયારણની વાવણી (15 જૂન થી 15 જુલાઈ) માટે ઉપયોગ કરવો. ભારત સરકારની ગાઈડલાઈન મુજબ બીજ ઉત્પાદક કંપનીઓ દ્વારા બીટી કપાસના બિયારણ 475 ગ્રામમાં જ 5-10% નોન બીટી અથવા રેફ્યુજીયા બિયારણની મિશ્ર પેકેટ તૈયાર કરી આપવામાં આવે છે તેનું વાવેતર કરવું. પિંજર પાક તરીકે દિવેલા અને પીળા ગલગોટાનું કપાસની 10 હાર પછી એક હારમાં વાવેતર કરવું અને તેની ઉપર મુકાયેલી લીલી ઇયળ, લશ્કરી ઇયળોના ઈંડા તથા ઇયળોનો સમયાંતરે નાશ કરવો. કપાસની જીવાતોના કુદરતી દુશ્મનોની જાળવણી માટે કપાસમાં મકાઈ અથવા જુવાર અને ચોળીની 10% પ્રમાણમાં છાંટ નાખવી.લીલી ઇયળના નિયંત્રણ માટે કપાસના ખેતરની આજુબાજુ પિંજર પાક તરીકે બે હાર મકાઈ અથવા જુવાર અથવા હજારી ગોટાનું વાવેતર કરવું. કાબરી ઇયળના નિયંત્રણ માટે કપાસના પાકની બે હાર વચ્ચે ભીંડાનું વાવેતર કરવું. પાન ખાનારી ઇયળ (લશ્કરી ઈયળ) થી પાકને બચાવવા માટે કપાસના ખેતરની ફરતે દિવેલાનું વાવેતર કરવું જેથી લશ્કરી ઇયળની માદા ફૂદીઓ દિવેલાના પાક ઉપર ઈંડા મૂકે છે. દિવેલાના છોડ પરથી આવા ઈંડા અથવા ઈયળના સમૂહને એકઠા કરી તેનો નાશ કરવો.કપાસના રોગોના સંકલિત વ્યવસ્થાપન કરવા માટે લાંબા ગાળે પાકની ફેરબદલી કરવી. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું સપ્રમાણ જાળવી વપરાશ કરવો. લીલો પડવાશ, છાણિયું ખાતર હેકટરે 10 ટન અથવા પ્રેસમડ અથવા મરઘાનું ખાતર ૨ ટન/ હે અથવા એરંડીના ૫૦૦ કિગ્રા ખોળમાં ૪ કિગ્રા ટ્રાઈકોડર્મા હારજીયાનમનું મિશ્રણ કરી વાવણી સમયે ચાસમાં જમીનમાં ભેજ હોય ત્યારે આપવાની ભલામણ છે. આંતર પાક તરીકે મઠ અથવા અડદનું વાવેતર કરવું. કપાસમાં સુકારાના નિયંત્રણ માટે મકાઈને આંતર પાક તરીકે વાવવો. કપાસમાં સુકારાના અસરકારક નિયંત્રણ માટે મકાઈ, જુવાર, રાઇડો અથવા બાજરીની ફેરબદલી કરવી.વાવણી સમયે બીજને કાર્બોકઝીન 37.5%+ થાઈરમ 37.5% ડીએસનાં મિશ્રણનો 3.5 ગ્રામ/કિલો બીજ મુજબ પટ આપી વાવેતર કરવું અથવા બીજને ટ્રાયકોડર્મા હારજીયાનમ અથવા ટ્રાયકોડર્મા વિરીડી જેવા જૈવિક ફુગ નિયંત્રકનો (10 ગ્રામ/ કિલો) પટ આપી વાવેતર કરવું. કપાસમાં ખૂણિયા ટપકા અથવા કેમ્પેટ્રીસ રોગ બીજજન્ય હોવાથી બીજ માવજતથી અટકાવી શકાય છે જેથી બીજની રુંવાટી દૂર કરવી. એક કિલોગ્રામ બીજમાં 100 મિલી ગંધકનો તેજાબ નાખી 2-3 મિનિટ સતત હલાવતા રહેવું ત્યારબાદ બીજને પાંચથી છ વખત સાદા પાણીમાં ધોઈ ત્યારબાદ પારાયુક્ત દવાઓ (એગ્રોસાન, સેરેસાન,ઇમિસાન )પૈકી એક દવાનો 2-3 ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ બીજ મુજબ પટ આપવો અથવા સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ 10 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું.કપાસમાં મૂળખાઈ અથવા મૂળનો સડો, સુકારો રોગના નિયંત્રણ માટે પાકની ફેરબદલી, ઈક્કડનો લીલો પડવાશ, છાણીયા ખાતરનો ઉપયોગ, મિશ્ર પાક તરીકે મઠ કે અડદનું વાવેતર, ટ્રાઈકોડર્મા વિરડી @ 5 ગ્રામ પ્રતિ કિલો પ્રમાણે બીજ માવજત અથવા ટ્રાયકોડર્મા વિરીડી @ 2.5 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે 100 કિલોગ્રામ છાણીયા ખાતર સાથે વાવણી સમયે આપવું. કપાસમાં નવો સુકારો અથવા પેરાવિલ્ટના આગોતરા નિયંત્રણ માટે હલકી જમીનમાં કપાસનું વાવેતર નિકપાળાં પદ્ધતિથી પાળા ઉપર કરવું તથા જમીનમાં સેન્દ્રીય ખાતરો પૂરતા પ્રમાણમાં આપવા. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી /ખેતી અધિકારી /તાલુકા અમલીકરણ અધિકારી /મદદનીશ ખેતી નિયામક /જિલ્લા ખેતીવાડી અધિકારી /નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) /નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.