પેન્શનર્સના ઘરે જઈ પોસ્ટમેન દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ કરી અપાશેમોરબી : રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત થયેલ કર્મચારીઓ રાજ્યની જુદી જુદી તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા હોય છે આ પેન્શનર્સએ દર વર્ષે મે થી જુલાઈ દરમિયાન હયાતીની ખરાઈ કરવાની હોય છે. ગુજરાત સરકારના નાણા વિભાગ અને પોસ્ટ વિભાગ દ્વારા થયેલ એમઓયુ મુજબ હવેથી પેન્શનર્સએ હયાતીની ખરાઈ માટે બેંકમાં કે તિજોરી કચેરીએ રૂબરૂ જવું પડશે નહીં. પોસ્ટ વિભાગના કર્મચારી દ્વારા પેન્શનરના ઘરે જઈ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જીવન પ્રમાણપત્ર એપ્લિકેશન મારફત જનરેટ કરી આપવામાં આવશે, જે સેવા તદ્દન નિશુલ્ક રહેશે. આ સેવા અંતર્ગત મોરબી જિલ્લા તિજોરી કચેરી ખાતે પેન્શનર જીવાણી રમેશ છગનભાઈનું જીવન પ્રમાણપત્ર એપ્લિકેશન મારફતે પોસ્ટ વિભાગના કર્મચારી દ્વારા રજિસ્ટ્રેશન કરાવી ડેમો આપવામાં આવ્યો હતો.આ બાબતે પેન્શનર જીવાણી રમેશભાઈએ જણાવ્યું હતું કે, પેન્શનર્સનું પેન્શન સતત ચાલુ રહે તે માટે તેમણે તિજોરી કચેરી ખાતે અથવા તેમને જે બેંકમાં પેન્શન મળે છે તે બેંક ખાતે પોતાના જીવંત હોવા માટેની ખરાઈ માટે દર વર્ષે માટે જવું પડતું હોય છે. ઉંમર થતાં ઘણા કર્મચારીઓ બેંક કે તિજોરી કચેરી ખાતે જવા સક્ષમ હોતા નથી. જે બાબતને ધ્યાનમાં લઇ સરકારે ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા ઉપલબ્ધ કરાવી છે, જે ખૂબ જ પ્રશંસનીય છે. હું મોરબી જિલ્લા તિજોરી કચેરી ખાતે મારા કામથી આવ્યો હતો, ત્યારે આ ડિજિટલ જીવન પ્રમાણપત્ર અંગેનો ડેમો મને આપવામાં આવ્યો છે, જે અન્વયે એ પ્રમાણપત્રમાં મારું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયું છે, જે માટે મારી પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવ્યો નથી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ પ્રમાણપત્રની સુવિધા શરૂ થવાના કારણે પોસ્ટમેન હવે નિવૃત્ત પેન્શનર્સના ઘરે જઈને તેમના હયાતીની ખરાઈ કરશે. ઉપરાંત આ સુવિધાનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે તેમણે સૌ પેન્શનર્સને અપીલ કરી હતી.રાજ્ય સરકારના પેન્શનર્સ તિજોરી કચેરી ખાતેથી પેન્શન લેતા હોય છે. જેના ભાગરૂપે વર્ષમાં એક વખત તેમણે હયાતીની ખરાઈ માટે તેમને બેંક અથવા તિજોરી કચેરી ખાતે જવું ન પડે તે માટે સરકાર દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સ્કીમ શરૂ કરવામાં આવી છે. 'સરકાર લોકોના દ્વાર સુધી' એ અભીગમને સાર્થક કરતા પોસ્ટમેન પેન્શનર્સના ઘરે જશે અને અને તેમનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ માટે રજિસ્ટ્રેશન કરી આપશે. આ સેવા અગાઉ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા આપવામાં આવતી હતી જેના માટે 70 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો. સરકાર દ્વારા હાલ આ સેવા નિ:શુલ્ક કરવામાં આવી છે. ત્યારે આ યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાના તમામ પેન્શનર્સને અનુરોધ કરવામાં આવ્યો છે.