બોગસ સોગંદનામુ તેમજ બોગસ વારસાઈ આંબો તૈયાર કરનાર વ્યક્તિ વિરુદ્ધ તલાટી મંત્રીએ નોંધાવી ફરિયાદમોરબી : માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે રહેતા ખેડૂતે બોગસ સોગંદનામા અને બોગસ વારસાઈ આંબાને આધારે પોતાની સગી દીકરી ન હોવા છતાં અન્ય મહિલાનું નામ સોગંદનામા અને વારસાઈ આંબામાં દર્શાવી બોગસ ખેડૂત ખાતેદાર બની ગયા હોવાની ચોંકાવનારી ફરિયાદ ગામના તલાટી કમ મંત્રીએ માળીયા મિયાણા પોલીસ મથકમાં નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.સંભવતઃ મોરબી જિલ્લામાં બોગસ ખેડૂત ખાતેદાર વિરુદ્ધ ફોજદારી ફરિયાદનો પ્રથમ કિસ્સો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રહેવાસી કે.ડી.પંચાસરા ઉર્ફે લંકેશ નામના વ્યક્તિએ મોરબી જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી સરવડ ગામના રહેવાસી મહેશ પ્રભાશંકર રાવલે વર્ષ 2022મા ખોટું સોગંદનામું, ખોટો વારસાઈ આંબો બનાવી પોતાની સગી પુત્રી ન હોવા છતાં પણ મોરબીમાં રહેતા હંસાબેન નામના મહિલાને સોગંદનામામાં તેમજ વારસાઈ આંબામાં પુત્રી તરીકે દર્શાવી બોગસ ખેડૂત ખાતેદાર બનાવ્યા હોવાની ફરિયાદ કરતા બનાવ અંગે જિલ્લા કલેકટર મોરબી અને માળીયા મિયાણા મામલતદારે તપાસ કરી હતી. જે તપાસના અંતે માળીયા મામલતદારે સરવડ ગામના તલાટી કમ મંત્રીને ફોજદારી ફરિયાદ નોંધાવવા આદેશ આપતા માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.વધુમાં માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામના તલાટી કમ મંત્રી અજય વિજયભાઈ ખાંભરાએ માળીયા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં મહેશ પ્રભાશંકર રાવલે કરેલા ખોટા સોગંદનામા દર્શાવેલ ઉંમર પણ ખોટી હોવાનું અને તેમની પુત્રી અને પિતા વચ્ચે સોગંદનામા મુજબ માત્ર ચાર વર્ષનો જ ફેર હોય બોગસ ખેડુત ખાતેદાર બનવા જ આ કૃત્ય આચર્યું હોવાનું દર્શાવી બોગસ સોગંદનામું, બોગસ વારસાઈ આંબો બનાવનાર મહેશ પ્રભાશંકર રાવલ તેમજ બોગસ સોગંદનામાના આધારે ખેડૂત બનનાર, વારસાઈ આંબાનો ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદનાર, ખેડૂત ખાતેદાર બનનાર તમામ તેમજ બોગસ ખાતેદાર બનવા ખોટા વારસાઈ આંબા બનાવવાની કાર્યવાહીના મદદ કરનાર તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 465, 467,468,471,120 (બી) અને કલમ 34 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.