ઈ કેવાયસી નહીં કરાવ્યા હોય તેવા કાર્ડ ધારકોને જથ્થો નહીં મળે : જિલ્લાના કુલ 6,71,201 પૈકી 5, 67,514 એનએસએફએ રેશનકાર્ડ હોલ્ડરનું ઈ-કેવાયસી કરાયુંમોરબી : સમગ્ર રાજ્યમાં 30 એપ્રિલ સુધીમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ કેન્દ્ર સરકારની મફત અનાજ યોજનાનો લાભ મેળવતા કુટુંબો માટે ઈ-કેવાયસી ફરજીયાત બનાવ્યું હોવાથી ચાલુ માસે ઈ-કેવાયસી બાકી હોય તેવા કુટુંબોને આ યોજનાના લાભથી વંચિત રહેશે. જો કે, મોરબી જિલ્લામાં પુરવઠા વિભાગે ઈ-કેવાયસીની 85 ટકા કામગીરી પૂર્ણ કરી લીધી છે અને હવે માત્ર 60 હજાર જેટલા જ રેશનકાર્ડ હોલ્ડરોના ઈ-કેવાયસી બાકી છે.મોરબી જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડીયાના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના આદેશ અન્વયે મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ કુલ 6,71,201 રેશનકાર્ડ ધારકો નોંધાયેલા છે જે પૈકી 5, 67,514 એનએસએફએ રેશનકાર્ડ હોલ્ડરનું ઈ-કેવાયસી 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને હવે માત્ર 1,03,687 રેશનકાર્ડમાં સમાવિષ્ઠ જન સંખ્યાનું ઈ-કેવાયસી બાકી છે. તેમાં પણ 40 હજાર જેટલા 0થી 5 વર્ષના બાળકો હોય 60 હજાર લોકોનું જ ઈ-કેવાયસી બાકી હોવાનું તેમને જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ચાલુ મે માસમાં મે અને જૂન માસનો નિઃશુલ્ક અનાજ-ચોખાનો જથ્થો આપવામાં આવનાર છે ત્યારે જે -જે એનએફએસએ રેશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસી બાકી છે તેવા રેશનકાર્ડ ધારકોને આ યોજનાનો લાભ નહીં મળી શકે, આ સંજોગોમાં મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાનો લાભ મેળવતા ઈ-કેવાયસીમાં બાકી રહેતા કુટુંબોને તાત્કાલિક અસરથી ઈ-કેવાયસી કરાવી લેવા તાકીદ કરવામાં આવી છે.