મોરબીથી તુર્કી અને અઝરબૈઝાનમાં થાય છે રૂ.100 કરોડની સિરામિક પ્રોડક્ટની નિકાસ : બન્ને દેશના વિઝા -ટિકિટ પણ રદ કરાવતા મોરબીના પર્યટકોમોરબી : ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્વ સંબંધો વચ્ચે તુર્કી અને અઝરબૈઝાન દેશે પાકિસ્તાનનો સાથ આપતા દેશભરમાંથી બન્ને દેશોનો બોયકોટ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીના ફરવાના શોખીન પ્રવાસીઓ પણ ધડાધડ બન્ને દેશના વિઝા અને ટિકિટો કેન્સલ કરાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. બીજીતરફ મોરબીથી તુર્કી અને અઝરબૈઝાનમાં વર્ષે 100 કરોડ રૂપિયાની સીરામીક પ્રોડ્કટની નિકાસ થતી હોય મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખે જરૂર પડયે દેશહિતમાં બન્ને દેશમાં નિકાસ નહીં કરવા નિર્ણય જાહેર કર્યો હતો.જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાનમાં ઘુસી આતંકી કેમ્પોનો સફાયો કરી નાખતા બન્ને દેશો વચ્ચેના તનાવપૂર્ણ સંબંધો દરમિયાન તુર્કી અને અઝરબૈઝાન દેશે પાકિસ્તાનને મદદ કરી યુદ્ધ સામગ્રી પુરી પાડવાની સાથે સમર્થનમાં ઉતરી આવતા હાલમાં દેશભરમાં તુર્કી અને અઝરબૈઝાનનો બોયકોટ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન મોરબી શહેરના ફરવાના શોખીન પ્રવાસીઓ હાલમાં તુર્કી અને અઝરબૈઝાનની પોતાની ટુર કેન્સલ કરાવી રહ્યા હોવાનું મોરબી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટ એસોસીએશને જાહેર કર્યું છે.દરમિયાન વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સીરામીક ઉદ્યોગે પણ તુર્કી અને અઝરબૈઝાન દેશ દ્વારા પાકિસ્તાનનું સમર્થન કરતા વિરોધ વ્યક્ત કરી બન્ને દેશો સાથે હાલમાં થઇ રહેલો અંદાજે 100 કરોડનો નિકાસ વેપાર જરૂર જણાયે દેશહિતમાં બંધ કરવામાં આવશે તેમ મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે,હાલમાં સીરામીક ઉદ્યોગમાં મંદીના વાદળો ઘેરાયા હોવા છતાં સીરામીક એસોસીએશને દેશહિતમાં નિર્ણય કર્યો હોવાનું તેમને અંતમાં ઉમેર્યું હતું.