એનજીટીના રૂ.456 કરોડના દંડ સામે હાઇકોર્ટમાં અપીલ બાદ જીપીસીબીએ 122.5 કરોડ ચૂકવવા 30 દિવસનો સમય આપ્યોમોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સીરામીક ક્લસ્ટર મોરબીના ઉદ્યોગકારો માટે ફરી ઉપાધિના વાદળો ઘેરાયા છે, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘેરી મંદી વચ્ચે કોલગેસ વાપરનાર મોરબીના સીરામીક એકમોને એનજીટીએ 456 કરોડ રૂપિયાનો દંડ ફટકારતા સીરામીક ઉદ્યોગકારોએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી જેમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હવે 122.5 કરોડનો દંડ 30 દિવસમાં ચૂકવી દેવા આખરીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ સીરામીક હબ મોરબી જિલ્લામાં નેચરલ ગેસ પાઈપ લાઈન નેટવર્ક બિછાવવામાં નહોતું આવ્યું તે અરસામાં મોટા પ્રમાણમાં સીરામીક ઉદ્યોગકારો કોલગેસ ઉપયોગ કરતા હતા જે પૈકી કેટલાક ઉદ્યોગકારો ગેસીફાયરમાંથી નીકળતો કદડો પર્યાવરણને નુકશાન થાય તે રીતે જાહેરમાં નિકાલ કરતા હોવાથી એનજીટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ફરિયાદ થતા એનજીટીએ મોરબી જિલ્લાના તમામ સીરામીક એકમોને ગેસીફાયર બંધ કરવા આદેશ કરી પર્યાવરણને નુકશાન બદલ જેટલા ઉદ્યોગકારો જીપીસીબીનીમંજુરીથી ગેસીફાયર વાપરતા હતા તે તમામ યુનિટોને રૂ.456 કરોડ જેટલો આકરો દંડ વર્ષ 2017માં ફટકાર્યો હતો.બીજી તરફ એનજીટીએ ફટકારેલો દંડ ભરપાઈ કરવામાં ન આવતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અવાર-નવાર ગેસીફાયર વાપરનાર સીરામીક ઉદ્યોગકારોને બાકી નીકળતી દંડની 456 કરોડની રકમ ભરપાઈ કરવા નોટિસો ફટકારતા સીરામીક ઉદ્યોગકારોએ દંડની અમુક ટકા રકમ હાઇકોર્ટમાં ભરી અપીલ કરી હતી. બીજીતરફ હાલમાં ફરી એક વખત જીપીસીબીએ કોલગેસનો ઉપયોગ કરનાર તમામ ઉદ્યોગકારોને હાઇકોર્ટના દિશા નિર્દેશ મુજબનો 122.5 કરોડ રૂપિયા દંડ ભરપાઈ કરવા 30 દિવસની મુદત સાથે આખરી નોટિસ ફટકારી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, મંદીના માહોલમાં 30 દિવસમાં 122.5 કરોડ જેટલી રકમ ભરપાઈ કરવાની નોટિસ મળતા જ સીરામીક ઉદ્યોગકારોમાં દોડધામ મચી ગઈ હોવાનું તેમજ કેટલાક સીરામીક ઉદ્યોગકારો એવું પણ જણાવી રહ્યા છે કે જે-જે એકમોએ ગેસીફાયરનો ઉપયોગ કરી પ્રદુષણ ફેલાવ્યું હોય તેમની પાસેથી દંડ વસુલ કરવો જોઈએ, નહીં કે, પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની મંજુરીથી ગેસીફાયર ચલાવતા તમામ ઉદ્યોગકારો પાસેથી, હાલમાં સીરામીક ઉદ્યોગકારો દ્વારા હાઇકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં લડત આપવા પણ માર્ગદર્શન મેળવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે.