જિલ્લા વિકાસ અધિકારીએ કરેલા પરિપત્રને રદ કરવા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની પંચાયત મંત્રીને રજુઆતમોરબી : બાંધકામની મંજુરી આપવાનો અધિકાર ગ્રામ પંચાયતને હોય છે તેવામાં જિલ્લા વિકાસ અધિકારીએ પરિપત્ર કરીને તાલુકા પંચાયત પાસેથી અભિપ્રાય મેળવવાનો નિયમ જાહેર કર્યો છે. જેનાથી અરજદારોને મુશ્કેલી પડી રહી હોવાનું જણાવી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ મામલે પંચાયત મંત્રીને રાવ કરવામાં આવી છે. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ પંચાયત મંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બાંધકામની મંજુરીને લગતા ત્રણ પરિપત્રો કરવામાં આવેલ છે. જેમાં બાંધકામની મંજુરી માટે તાલુકા પંચાયત કચેરી ખાતે જરૂરી આધાર પુરાવાઓ રજુ કરી તાલુકા પંચાયતો અભિપ્રાય મેળવવાનો રહે છે. ગુજરાત પંચાયત અધિનિયમ ૧૧૯૩ ની કલમ ૧૦૪ મુજબ બાંધકામ મંજુરી માટે ગ્રામ પંચાયતને અધિકાર છે એટલે કે ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં બાંધકામની મંજુરી લેવાની હોય છે. પરંતુ બાંધકામ મંજુરીમાં તાલુકા પંચાયતનો કોઈ રોલ હોતો નથી. તેમ છતાં બાંધકામની મંજુરીમાં કોઈને વાંધો-તકરાર હોય તો જિલ્લા પંચાયતને અપીલ કરવાની હોય છે. માટે બાંધકામ મંજુરીમાં સચિવ તરીકે તલાટી કમ મંત્રીની સહિની જરૂર રહેતી નથી.આ પરિપત્રોને કારણે નાના મકાન ધારકો, નાના ઓદ્યોગીક એકમોને ખલેલ પહોંચેલ છે. જો આ પરિપત્રો રદ કરવામાં આવે તો મકાન ધારકો અને ઔદ્યોગીક એકમોને આર્થિક ક્ષેત્રમાં વેગ મળે તેમ છે.