જાહેરમાં થૂંકતા, લઘુશંકા કરતા, કચરો ફેકતા લોકો બાદ હવે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરનારાઓને પણ હોર્ડિંગ્સમાં ચમકાવાયામોરબી : મોરબી મહાનગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરનારાઓને દંડ ફટકારવાની સાથે તેઓના ફોટો પણ હોર્ડિંગમાં લગાવાનું શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ હવે શહેરીજનોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા મહાપાલિકાએ ભારપૂર્વક જણાવ્યું છે. મોરબીમાં જે લોકો જાહેર જગ્યાઓ ઉપર યુરીનેશન કરતા હતા અને જે લોકો જાહેરમાં થુકે છે એના ફોટો હોર્ડિંગમાં લગાવામાં આવતા હતા. ત્યારબાદ જે લોકો જાહેરમાં કચરો ફેંકે છે તેમના પણ ફોટો લગાવાનું શરૂ કરાયું હતું. હવે જે લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરે છે તેઓના ફોટો પણ હોર્ડિંગ્સમાં ચમકાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.આ મામલે મહાપાલિકા દ્વારા જણાવાયુ છે કે જે લોકો હજી સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓરે છે તેઓ સાવધ બની જાય. કારણકે મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામી સામે દંડનીય કાર્યવાહી કરી ફોટો પ્રદર્શિત કરવામાં આવશે. જે કોઈ પણ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ કરતા પકડાશે તેઓનો ફોટો પણ પ્રદર્શિત કરવામાં આવશે.