ચાર આરોપીઓ ટવેરા કારમાં યુવાનને મોરબી નજીક લઈ જઈ ઢોર માર માર્યોહળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા યુવાનના નાનાભાઈએ મોરબીની યુવતી સાથે પ્રેમલગ્ન કરી લેતા યુવતીના કાકા સહિતના ચાર શખ્સોએ સુંદરગઢ ગામે ધસી જઈ યુવકના મોટાભાઈનું ટવેરા ગાડીમાં અપહરણ કરી મોરબી નજીક લઈ આવી બેફામ માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા અને ડ્રાઇવિંગ કરતા માંડણભાઈ બેચરભાઈ ખાંભડિયા ઉ.30 નામના યુવાને આરોપી રાકેશ લઘુભાઈ મોરવાડિયા, શૈલેષ મહાદેવભાઈ માલાસણા રહે. બન્ને ફૂલછાબ સોસાયટી, વીસીપરા, મોરબી તેમજ આરોપી સંદીપ ભુપતભાઇ અગેચણિયા અને આરોપી નિલેશ સવસીભાઈ અગેચણિયા રહે.બન્ને કુંભારવાડો, વીસીપરા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી રાકેશ લઘુભાઈ મોરવાડિયાની ભત્રીજી સપના સાથે ફરિયાદીના નાના ભાઈ વિષ્ણુભાઈએ કોર્ટ મારફતે પ્રેમલગ્ન કર્યા હોય જેનો ખાર રાખી ચારેય આરોપીઓ સુંદરગઢ ગામે ઘસી આવ્યા હતા અને માંડણભાઈના ઘેર આવી ટવેરા ગાડીમાં અપહરણ કરી મોરબી નજીક અજાણી જગ્યાએ લાવી બેફામ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે હળવદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.